મનપાના ફાયર વિભાગમાં એમ્બ્યુલન્સ – શબવાહિનીની ઘટ : આઠ મહિના પહેલા ટેન્ડર પ્રક્રિયા શરૂ કર્યા બાદ પણ સ્થિતિ ઠેરની ઠેર

0

સુરત મહાનગર પાલિકા દ્વારા કોરોના મહામારીની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે તડામાર તૈયારીઓ આદરી દેવામાં આવી છે. સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટથી માંડીને ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પિટલનું નિરીક્ષણ ખુદ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું છે. બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ વેક્સીનેશનથી માંડીને ટેસ્ટિંગ પર પુનઃ ભાર મુકવામાં આવી રહ્યો છે. આ તમામ સ્થિતિ વચ્ચે છેલ્લા 9 મહિનાથી સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ માટે શબ વાહિની અને એમ્બ્યુલન્સની ખરીદ પ્રક્રિયા રગશિયા ગાડાની જેમ આગળ વધી રહી છે. વહીવટી તંત્ર દ્વારા માર્ચ 2022માં સાત એમ્બ્યુલન્સ અને 14 શબવાહિની ખરીદવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે, શાસકો દ્વારા આ અંગે આર્થિક કારણ આગળ મુકીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને શબવાહિની ખરીદવાનો નિર્ણય લેવામાં આવતાં હવે આ સમગ્ર ખરીદ પ્રક્રિયા ટલ્લે ચઢવા પામી છે.

સુરત સહિત સમગ્ર દેશમાં કોરોનાની સંભવિત મહામારી વધુ એક વખત માથું ઉંચકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેને પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા પણ કોરોનાની હરસંભવ સ્થિતિને પહોંચી વળવા માટે યુદ્ધસ્તરે કવાયત શરૂ કરી દેવામાં આવી છે. આ દરમ્યાન જાણવા મળતી માહિતી અનુસાર શહેરનું ફાયર વિભાગમાં એમ્બ્યુલન્સ અને શબવાહિનીનો અભાવ જોવા મળી રહ્યો છે. આ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા ગત માર્ચ મહિનામાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરીને ફાયર વિભાગ માટે સાત એમ્બ્યુલન્સ અને 14 શબવાહિની ખરીદવા માટે પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં અંદાજે ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ઈજારદારો દ્વારા આ સુવિધા પુરી પાડવા માટે તૈયારીઓ પણ દાખવી હતી. અલબત્ત, સ્થાયી સમિતિ સમક્ષ પહોંચેલી આ દરખાસ્ત પર બ્રેક મારી દેવામાં આવી હતી અને ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સ અને શબવાહિની ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ વાતને અંદાજે આઠ મહિના જેટલો સમય વીતિ ગયો હોવા છતાં હજી સુધી એક એમ્બ્યુલન્સ કે શબવાહિનીની ખરીદી શક્ય બની નથી.
સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર હાલ ફાયર વિભાગના 17 ફાયર સ્ટેશન અને એક ઈમરજન્સી રિસ્પોન્શ સેન્ટર મળીને કુલ 18 સ્થળે એમ્બ્યુલન્સની જરૂરિયાત સામે માત્ર 13ની જ સુવિધા છે અને આ રીતે જ 14 શબવાહિનીની સામે માત્ર 10 શબવાહિની ઉપલબ્ધ છે. આ સ્થિતિમાં જો કોરોનાની વિકટ સ્થિતિ ઉભી થાય તો ભારે હાલાકીનો સામનો ભોગવવો પડી શકે છે.

માત્ર ત્રણ ધારાસભ્યોની જ ગ્રાન્ટ મળી

સ્થાયી સમિતિ અધ્યક્ષ દ્વારા ટેન્ડર પ્રક્રિયાથી શબ વાહિની અને એમ્બ્યુલન્સની સુવિધા પર બ્રેક મારવાની સાથે ધારાસભ્યોની ગ્રાન્ટમાંથી ખરીદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અલબત્ત, ખાટલે સૌથી મોટી ખોડ એ છે કે આઠ મહિના પહેલા આ નિર્ણય બાદ પણ હજી સુધી માત્ર અરવિંદ રાણા, કાંતિ બલર અને પ્રવિણ ઘોઘારી દ્વારા જ ગ્રાન્ટ આપવામાં આવી છે. આ સિવાય પ્રદેશ પ્રમુખ અને નવસારી સાંસદ સી આર પાટીલ દ્વારા પણ સાત લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી છે.

માર્ચ 2023 પહેલાં શક્યતા નહિવત

હાલ માત્ર ત્રણ ધારાસભ્ય દ્વારા 15 લાખ અને સાંસદ સીઆર પાટીલ દ્વારા સાત લાખની ગ્રાન્ટ મળ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા ત્રણથી ચાર શબવાહિની – એમ્બ્યુલન્સ ખરીદ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ અંગે મનપા કમિશનર શાલિની અગ્રવાલનો અભિપ્રાય મેળવ્યા બાદ પુનઃ ઓનલાઈન પોર્ટલ પરથી શબવાહિની અને એબ્યુલન્સ ખરીદવા અંગેની કવાયત કરવામાં આવશે. જો કે, આ સમગ્ર પ્રક્રિયા દરમ્યાન વધુ ત્રણથી ચાર મહિનાનો સમય લાગે તેમ હોવાને કારણે માર્ચ 2023 પહેલા એમ્બ્યુલન્સ અને શબવાહિનીની ઘટ પુરી શકાય તેવી શક્યતા ધુંધળી છે.

ગ્રાન્ટ બાદ પણ મનપાએ કરવો પડશે ખર્ચ

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર રાજ્ય સરકારના નિયમ મુજબ ધારાસભ્યો કોઈ પણ વાહનો માટે પાંચ લાખ રૂપિયાથી વધુ રકમની ગ્રાન્ટ ફાળવી શકે તેમ નથી. આ સ્થિતિમાં જો સુરત શહેરના તમામે તમામ ધારાસભ્યો પાંચ – પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવે તો પણ 60 લાખ રૂપિયા જેટલી જ રકમ એકઠી થઈ શકે છે. જ્યારે સાતથી આઠ લાખ રૂપિયામાં આવતી એમ્બ્યુલન્સ અને શબવાહિની માટે મહાનગર પાલિકાએ પોતાની તિજોરીમાંથી રૂપિયા ખર્ચ કરવા પડશે તે નિશ્ચિત છે. આ સ્થિતિને પગલે જ ત્રણ ધારાસભ્યો અને એક સાંસદની ગ્રાન્ટ મળ્યા બાદ પણ માંડ ત્રણેક એમ્બ્યુલન્સની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે અને તેમાં ખુટતી રકમ મનપાએ ચુકવવાના રહેશે.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *