Beach Soccer Tournament ની ફાઇનલમાં પંજાબ સામે કેરાલાની જીત: સુરતીઓમાં પણ પહેલીવાર જોવા મળ્યો ફૂટબોલનો ક્રેઝ
સુરતના ડુમસ(Dumas) બીચ પર પહેલીવાર દેશની બીચ(Beach) સોકર ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. જેમાં 19 રાજ્યોની ટિમ સુરતની મહેમાન બની હતી. 26 જાન્યુઆરીએ ધ્વજવંદન કરીને આ ચેમ્પિયનશિપની શરૂઆત કરવામાં આવી હતી. જેની ફાઇનલ મેંચ બુધવારના રોજ યોજાઈ હતી. પંજાબ અને કેરાલા વચ્ચે યોજાયેલા આ રોમાંચક મુકાબલામાં કેરાલાની ટિમ વિજેતા નીવડી હતી.
વિજેતાઓને પુરસ્કૃત કરવા માટે રાજ્યસભાના સાંસદ અને ગુજરાત ફૂટબોલ એસોસિયેશનના પ્રમુખ પરિમલ નાથવાણી પણ હાજર રહ્યા હતા. સુરતના ડુમસ બીચ પર પહેલીવાર આ ચેમ્પિયનશિપ શક્ય બની કારણ કે નેશનલ ફૂટબોલ એસોસિયેશન તરફથી પ્રથમવાર બીચ સોકર ટુર્નામેન્ટ કમિટી બનાવવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે જીગ્નેશ પાટીલની પસંદગી કરવામાં આવી હતી.
આ જ કારણ છે કે સુરતને તેનો ફાયદો થયો. ડુમસ બીચ જે સુરતીઓ માટે હરવા ફરવા માટે જાણીતું છે, તે બીચના કિનારે પહેલીવાર દેશની નેશનલ બીચ સોકર ચેમ્પિયનશિપ યોજાઈ હતી. જેને જોવા માટે અલગ અલગ રાજ્યો અને શહેરોના લોકો તો આવ્યા જ હતા. પણ સુરતના લોકોને પણ આ ફૂટબોલ મેચ જોવાની મજા પડી ગઈ.
સામાન્ય રીતે શનિવાર અને રવિવારના રોજ લોકો પોતાની શેરીઓ અને ગલીઓમાં ક્રિકેટ રમવાની મજા લેતા હોય છે, તેઓ સહપરિવાર ફૂટબોલ મેચ જોવા મોટી સંખ્યામાં આવ્યા હતા. આ પણ પહેલીવાર જ હશે જ્યાં સુરતીઓમાં આટલો ફૂટબોલ પ્રેમ જોવા મળ્યો હતો.
ઝારખંડ, પંજાબ, કેરાલા, ઉત્તરાખંડ, ગોવા સહીત ગુજરાત મળીને અલગ અલગ 19 રાજ્યોના કુલ 300 રમતવીરોએ ભાગ લીધો હતો. ગુજરાતની ટીમમાં પણ સાત પ્લેયર સુરતના હોવાથી શહેરીજનોએ તેમનો ઉત્સાહ વધાર્યો હતો. જોકે ક્વાર્ટર ફાઇનલ સુધી પહોંચવા સુધીનું ગુજરાત ટીમનું સપનું અંતિમ મેચોમાં રોળાયું હતું.
બુધવારે રમાયેલી ફાઇનલ મેચમાં પંજાબ સામે કેરાલાનો 4-13થી વિજય થયો હતો. સુરતના બીચ પર પહેલીવાર રમાયેલી આ ચેમ્પિયનશીપમાં ફુરબોલ ખેલાડીઓનો અનુભવ પણ સારો રહ્યો હતો. તેઓએ આ ચેમ્પિયન્શિપમાંથી નેશનલ ટિમ બનાવીને ભારતને વર્લ્ડ લેવલ પર લઇ જવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.