Surat : આસ્થાને ઠેસ પહોંચાડનારાઓ સભ્ય સમાજ માટે ઘાતકઃ હર્ષ સંઘવી
સુરત શહેર ખાતે આજે અત્યાધુનિક જિલ્લા કલેકટર કચેરીના ખાતમુર્હૂત માટે પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલ દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી હતી. તેઓએ જણાવ્યું હતું કે, એક તરફ જ્યારે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા નાગરિકોની સાથે ખભેખભા મિલાવીને વિકાસની રાજનીતિ કરવામાં આવી રહી છે ત્યારે હજી પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા ધર્મ અને સમાજના નામે જે રાજકીય રોટલો શેકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તે નિંદનીય છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, નેતાઓએ કોઈપણ ધર્મ હોય કે સમાજ તેના નાગરિકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ધ્યાન રાખવું જોઈએ.
શહેરના પીપલોદ ખાતે એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસ સામે રાજ્યની સૌથી મોટી કલેકટર કચેરીના ખાતમુર્હૂતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે યોજાયેલા ખાતમુર્હૂતના આ કાર્યક્રમ દરમ્યાન તેઓએ હાલમાં જ પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા શિવરાજ પાટિલ દ્વારા મહાભારતના એક પ્રસંગને ટાંકીને જે ટિપ્પણી કરવામાં આવી હતી તેને વખોડી કાઢી હતી.
હર્ષ સંઘવીએ કોંગ્રેસના આ પીઢ નેતાની ટિપ્પણીને ભગવદ્ ગીતાના ધરાર અપમાન સાથે સાંકળતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી આ બન્ને પક્ષોના નેતાઓ છાશવારે હિન્દુ ધર્મ અને સમાજ વિરૂદ્ધ જે રીતે ટિપ્પણીઓ કરવામાં આવે છે તે ખરેખર ચિંતાનો વિષય છે. હર્ષ સંઘવીએ હાલમાં જ ગોપાલ ઈટાલિયા દ્વારા મંદિરોમાં મહિલાઓના શોષણ અંગેના વાયરલ થયેલા વીડિયોનો ઉલ્લેખ કર્યા વિના જણાવ્યું હતું કે, અગાઉ કેટલાક નેતાઓ દ્વારા મંદિરો અને કથાઓ અંગે વિવાદ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે હવે કોંગ્રેસના નેતા દ્વારા મહાભારત અને ગીતાને સાંકળીને જે ટિપ્પણી કરવામાં આવી છે તે હિન્દુ ધર્મની આસ્થા પર કઠુરાઘાત સમાન છે. કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા આ રીતે હિન્દુ ધર્મ અને સમાજ વિરૂદ્ધ કરવામાં આવતી ટિપ્પણીઓ અંગે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ પ્રકારના નેતાઓથી હવે સાવધાન રહેવાની જરૂર છે. ચુંટણી આવે ત્યારે આ પ્રકારની વિચારધારા ધરાવનારા નેતાઓ સભ્ય સમાજ માટે ઘાતક સાબિત થઈ શકે તેમ છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતા દ્વારા મહાભારતના એક પ્રસંગ દરમ્યાન શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે થયેલા વાર્તાલાપનું જે રીતે અર્થઘટન કરવામાં આવ્યું છે તે માત્ર હિન્દુ ધર્મ માટે જ નહીં પરંતુ હિન્દુ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન ભગવદ્ ગીતાના પણ હળહળતા અપમાન સમાન છે. એક તરફ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભાજપ દ્વારા જે રીતે વિકાસની રાજનીતિ કરવામાં આવી રહી છે ત્યારે હજી પણ આપ અને કોંગ્રેસના નેતાઓ દ્વારા સમાજ અને ધર્મના નામે જે રીતે ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે તે ઘોર નિંદાને પાત્ર હોવાનું જણાવતાં તેઓએ કહ્યું હતું કે, આ સ્થિતિમાં આવા નેતાઓને ઓળખવાનો સમય પાકી ગયો છે. ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની ભાવનાને ઠેસ પહોંચાડવાનું જે હિન કૃત્ય કરવામાં આવ્યું છે તે માત્ર વખોડવાને પાત્ર નથી પરંતુ આવા નેતાઓની માનસિકતાને પણ ઓળખવાની જરૂર છે.
રાજ્યની સૌથી ઉંચી કલેકટર કચેરી હવે સુરતમાં
શહેરના પીપલોદ ખાતે એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની સામે નિર્માણાધીન થનાર સુરત જિલ્લા કલેકટર કચેરી સમગ્ર રાજ્યની સૌથી ઉંચી ઈમારત બનશે. અંદાજે 30 કરોડના ખર્ચે 14 માળની આ કલેકટર કચેરી ગ્રીન બિલ્ડિંગના કોન્સેપ્ટ પર તૈયાર કરવામાં આવશે. જેમાં રેઈન વોટર હાર્વેસ્ટિંગના માધ્યમથી બે લાખ લીટર જેટલા વરસાદી પાણીનું સ્ટોરેજ કરવામાં આવશે. આ સિવાય આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગની સાથે – સાથે સોલાર સિસ્ટમ થકી કુલ જરૂરિયાતની 30 ટકા જેટલી ગ્રીન એનર્જી મેળવવા માટે પણ અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. આ કલેકટર કચેરીમાં એક જ ઈમારતમાં મહેસુલ વિભાગની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે. આ સિવાય આ અત્યાધુનિક ઈમારતમાં કોન્ફરન્સ રૂમ, કેન્ટીન, કાફેટેરિયા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
શિવરાજ પાટિલે શું કરી હતી ટિપ્પણી
હાલમાં જ નવી દિલ્હી ખાતે એક પુસ્તકના વિમોચન દરમ્યાન પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી અને કોંગ્રેસના પીઢ નેતા શિવરાજ પાટિલ દ્વારા મહાભારતના પ્રસંગનો ઉલ્લેખ કરતાં જણાવાયું હતું કે, શ્રી કૃષ્ણ દ્વારા અર્જુનને જેહાદની વાત કરવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે, અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે, માત્ર ઈસ્લામ ધર્મમાં જ જેહાદની ચર્ચા થઈ છે પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન અને અર્જુન વચ્ચે થયેલી વાતચીતમાં તેઓએ જેહાદનો ઉલ્લેખ કરતાં સમગ્ર દેશમાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે.