VNSGUના પદવીદાન સમારોહમાં પહેલીવાર વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો
વીર નર્મદ યુનિવર્સિટી(VNSGU) દ્વારા આ વર્ષે પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ (Students) માટે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓએ ડ્રેસ માટે ઓનલાઇન પેમેન્ટ કરવાની રહેશે.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 54મો વાર્ષિક પદવીદાન સમારોહ 6ઠ્ઠી માર્ચ, 2023ના રોજ યોજાશે. જેમાં સ્નાતક, અનુસ્નાતક એમ.ફિલ અને પીએચડીના મળી કુલ 29 હજાર જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. સાથે 155 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક સહિતના ઇનામો પણ એનાયત થશે.
નર્મદ યુનિવર્સિટી દ્વારા આ વર્ષે પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓ માટે ડ્રેસ કોડ રાખવામાં આવ્યો છે. જેમાં કેસરી અને વાદળી રંગના કુર્તા રાખવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓએ ડ્રેસ માટે ઓનલાઇન પેમેન્ટ કરવાની રહેશે. જેમાં વિકલ્પ આપવામાં આવ્યા છે કે વિદ્યાર્થી જો ફક્ત ખેસ લેવા માંગે તો 385 રૂપિયા, ફક્ત કુર્તો લેવા માંગે તો 1180 રૂપિયા અને ખેસ અને કુર્તો બંને લેવા માંગે તો 1565 રૂપિયા ઓનલાઇન પેમેન્ટ કરવાના રહેશે.
નર્મદ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ 6ઠ્ઠી માર્ચે યોજશે
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો વાર્ષિક પદવીદાન સમારોહ દરવર્ષે કવિ નર્મદની પુણ્યતિથિ 26 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવે છે. પરંતુ આ વખતે રાજ્યપાલને 26 ફેબ્રુઆરી, 2023ના રોજ અગત્યના કામો હોવાને કારણે પદવીદાન સમારોહ મોકૂફ રાખવા સૂચના આપવામાં આવી હતી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા 6ઠ્ઠી માર્ચ, 2023ના રોજની તારીખ પદવીદાન સમારોહ માટે આપવામાં આવી છે. આ વર્ષે 6ઠ્ઠી માર્ચ, 2023ની તારીખે 54મો વાર્ષિક પદવીદાન સમારોહ યોજાશે.