આ ઐતિહાસિક શહેરમાં આવ્યું છે ગુજરાતનું સૌથી પહેલું ચર્ચ, આવો જાણીએ શું છે તેની ખાસિયત
સૂર્ય નગરી સુરત સ્માર્ટ સિટી જ નહીં પરંતુ ઐતિહાસિક શહેર પણ છે. જેના ઇતિહાસ સાથે સંકળાયેલી જૂની ઇમારતો આજે પણ અહીં જોવા મળે છે.ત્યારે આ પૌરાણિક વારસાના જતનનું ઉત્તમ ઉદાહરણ પૈકીનું એક એટલે ચોક બજાર ખાતે આવેલ સીએનઆઇ ક્રાઈસ્ટ ચર્ચ. આ ચર્ચની ખાસ વાત એ છે કે તે ગુજરાતનું સૌથી પહેલું પ્રોટેસ્ટન્ટ ચર્ચ છે. અને સાથે જ આ ચર્ચમાં મૂકવામાં આવેલ બાઈબલ પણ 200 વર્ષ જૂનું હોવાનું જાણવા મળે છે.
ઇમેજિન સુરત સાથે વાત કરતા ચર્ચના ફાધર રેવરન્ડ ઉદય જણાવે છે કે સુરતનું સૌથી જૂનું એંગ્લિકન ચર્ચ જેને CNI ક્રાઈસ્ટ ચર્ચ તરીકે પણ ઓળખવામાં આવે છે, અને તે ગુજરાતનું પહેલું ચર્ચ છે. એંગ્લિકન ચર્ચનું નિર્માણ પશ્ચિમી દેશોની જયોર્જિયન શૈલીના ચર્ચની ડિઝાઇન મુજબ કરવામાં આવ્યું હતું. આ ચર્ચ બિલ્ડિંગનું ભૂમિ પૂજન રેવરન્ડ માઉન્ટસ્ટુઅર્ટ દ્વારા 1820માં કરવામાં આવ્યું હતું. અને ઈ.સ 1824 માટેની ખુલ્લુ મુકાયું હતું. ઈ. સ 1930 માં કલેકટર વિન્સેન્ટ ગ્રેહામે આ ચર્ચ અને તેની સાથેની જમીન બોમ્બે ડાયોસિસન ટ્રસ્ટ એસોસિએશનને સોંપી દીધા બાદ આ ચર્ચ સી એન આઈ ક્રાઈસ્ટ ચર્ચ અને તેમના વહીવટ હેઠળ ચાલે છે.
• સીએનઆઇ ક્રાઈસ્ટ ચર્ચની વિશેષતા
સીએનઆઇ ક્રાઈસ્ટ ચર્ચની વિશેષતા સ્ટેઇન ગ્લાસ વિન્ડો છે. અત્યંત દુર્લભ કહી શકાય તેવી આ સ્ટેન્ડ ગ્લાસ વિન્ડોમાં ભગવાન ઈસુના જન્મ તેમજ ગભાણના દ્રશ્યોનો કલાત્મક રીતે નિર્દેશ કરવામાં આવ્યું છે.આ સહિત આ ચર્ચમા આટલા વર્ષો બાદ પણ કોઈ ફર્નિચર બદલવામાં આવ્યું નથી. એ જ લાકડાની બેન્ચ, લાકડાના બારી બારણા જેના પર હાલ ફક્ત પોલીસ કરવામાં આવ્યું છે પરંતુ ખાસ વાત એ છે કે વર્ષ 2006 ના સુરતમા આવેલ રેલમાં આ તે સંપૂર્ણ ડૂબી ગયા બાદ પણ આજે પણ એ જ પરિસ્થિતિમાં હયાત છે. આ ઉપરાંત ચર્ચના ટેરેસ પર 200 વર્ષ જુનો બેલ પણ છે. જેને લંડનથી મંગાવવામાં આવ્યો હતો. અને દર રવિવારે સવારે 9:00 વાગે ભક્તિ ભજન પહેલા તેને વગાડવામાં આવે છે. અને આ બેલનો કર્ણપ્રિય અવાજ આજુબાજુના પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં પણ સંભળાય છે.
• ૨૦૦ વર્ષ જૂનું બાયબલ
CNI ચર્ચ પાસે એક બીજું મોટું બાઇબલ છે. આ ધાર્મિક ગ્રંથ ખિસ્ત્રી સમુદાયના સમગ્ર એશિયાના સૌથી મોટા ધર્મગુરુ બિશપ રેજીનોલ્ડ હીબર સુરત લાવ્યા હતા. ચર્ચ ઓફ ઇંગ્લેન્ડના અનુયાયી તરીકે જાણીતા આ ધર્મગુરૂના હસ્તે સાલ ૧૮૨૪માં ચોકબજાર સ્થિત CNI ચર્ચ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. આ ચર્ચ ખુલ્લુ મુકવા માટે તેઓ દિવસોના દિવસો માઇલો પગપાળા સફર કરી સુરત પહોંચ્યા હતા. એ સમયે ઇસ્ટ ઇન્ડિયા તરીકે જાણીતો ભારતનો ભાગ અને આજે કોલકાતાથી ઓળખાતા શહેરમાંથી તેઓ પગપાળા સફર ખેડી સુરત આવ્યા હતા. તેઓ પોતાની સાથે આ બીજું ઐતિહાસિક બાઇબલ લઇ આવ્યા હતા. આ બાઇબલ પણ ઇંગ્લેન્ડમાં માંજ ઈ. સ ૧૮૧૯માં પ્રિન્ટ થયું હતું.અને બે સદી જુનું આ બાઇબલ સાલ ૧૮૨૪થી જ સુરતના CNI ચર્ચનો હિસ્સો બની ચૂક્યું છે.આજે પણ તેના દરેક પાને શબ્દો સ્પષ્ટ રીતે વાંચી શકાય છે. . અને શહેરનાં સૌથી જૂનાં પુસ્તકોમાં આ બાઇબલનો સમાવેશ થાય છે.જેને ફક્ત ક્રિસમસ ના તહેવાર પર જ અહીં આવતા શ્રદ્ધાળુઓ માટે મૂકવામાં આવે છે.