Surat: યૂ-ટ્યુબ જોઇ ચલણી નોટો છાપતા યુવાનને પોલીસે ઝડપી પાડયો, 4.81 લાખની નકલી નોટો જપ્ત
સુરતના કડોદરા તાલુકાના શ્રીનિવાસ ગ્રીન સોસાયટીમાં પોતાના ઘરમાં જ ડુપ્લીકેટ ચલણી નોટ છાપવાના રેકેટનો સુરત જિલ્લા એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમે પર્દાફાશ કર્યો છે. પોલીસે અહી દરોડો પાડી રૂ. ૪ લાખથી વધુની કીમતની ડુપ્લીકેટ નોટો સહીત ૪.૮૧ લાખના મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.
પ્રાપ્ત માહિતી મુજબ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન મળેલી બાતમીને આધારે સુરત જિલ્લા એલસીબી પોલીસે દરોડો પાડ્યો હતો.ત્યાંથી ડુપ્લીકેટ નોટો બનાવતોપ્રવીણ રાજા રામ માલીને (ઉ.વ ૩૦ રહે. કડોદરા શ્રીનીવાસ ગ્રીનસીટી મળે કે બેટેવદ માલીવાડ, થાના-બેટાવદ, તા.સીંદખેડા, મહારાષ્ટ્ર)ને ઝડપી પાડી તેના મકાનમાંથી પોલીસે 100, 200,તેમજ 500ના દરની 1309બનાવટી ચલણી નોટ, નોટ છાપવાની ડાય, પ્રિન્ટર સાથે પ્રવીણ રાજા રામ માલીની ધરપકડ કરી હતી.અહીંથી 500ના દરની બનાવટી નોટો નંગ 1309 કીમત રૂ. 4,62,300 રૂપિયા, કલર પ્રિન્ટર કીમત 10 હજા૨, નોટો છાપવા માટેની ડાઇ બે કીમત 10 હજાર, મોબાઇલ ૧ કીમત રૂપિયા પાંચહજાર તેમજ આરોપી પાસેથી મળેલી રોકડ રૂ. 3020 મળી કુલ 4,81,320 રૂપિયાના મુદ્દામાલ સાથે પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની તજવીજ હાથધરી છે.
પ્રવીણે યુ-ટ્યુબ પરથી નકલી નોટ બનાવવાની માહિતી મેળવી
નકલી નોટ સાથે ઝડપાયેલા મુખ્ય આરોપી પ્રવીણની આર્થિક સ્થિતિ ખરાબ હોય સોશિયલ મીડિયા યુટ્યુબના માધ્યમથી ચલણી નોટો બનાવવા માટેની માહિતી મેળવી હતી.અને પછી તેણે સ્ક્રીન પ્રિન્ટિંગ ફ્રેમ બનાવી અસલી નોટને સ્કેન કરી અલગ અલગ સોફટવેરના માધ્યમથી નોટો બનાવી તેનું પ્રિન્ટિંગ કર્યા બાદ બજારમાં છૂટક નાના વેપારીઓને આપી દેતો હતો. તે છેલ્લા ઘણા સમયથી આ ધંધો કરી આર્થિક ફાયદો મેળવતો આવ્યો હતો.