આ યુવાન કહેવાય છે સુરતનો સોનુ સુદ : રોજ એક વ્યક્તિની મદદ કરવાની જેની બની ગઇ છે આદત.

0

વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે

પરદુઃખે ઉપકાર કરે તોયે, મન અભિમાન ન આણે રે

મનમાં પરોપકારનું કોઇક કામ કરવાની, બીજાની પીડા અને તકલીફ દૂર કરવાની અદમ્ય ઇચ્છા, અખૂટ ધગશ અને લગન, માનવસેવાના એક પછી એક એમ દરેક ક્ષેત્રમાં ખૂબ મહત્વપૂર્ણ અને નોંધપાત્ર યોગદાન, જરૂરતમંદ વ્યક્તિઓને કોઈપણ ભેદભાવ વગર પૂરી નિષ્ઠાથી સગવડો વાપરીને મદદ કરવી અને તેમ છતાં પોતાના નામ કે પ્રસિદ્ધિનો કોઈ મોહ ન હોવો, કદાચ નરસિંહ મહેતાએ વૈષ્ણવજનનું વર્ણન કરતી વખતે આ જ ગુણોને ધ્યાનમાં રાખ્યા હતા.અને આજના સમયમાં આ કાવ્યને સાર્થક કરતો યુવાન એટલે સુરતનો તરુણ મિશ્રા. જેણે અત્યાર સુધી નિસ્વાર્થ ભાવે સેકડો લોકોની સેવા કરે છે. ઘરવિહોણા લોકોને છત આપી છે. ની:સહાય લોકોની જરૂરિયાત પૂરી કરી છે. કહેવાય કે જેટલા પણ ઉદાહરણ આપીએ તે ઓછા પડે ત્યારે હાલમાં ફરી એક તરુણે મિશ્રાએ કરેલા વધુ એક ઉમદા કાર્યથી દરેક વ્યક્તિ તેની પ્રશંસા કરી રહ્યા છે.

તરુણ મિશ્રા સુરતનો એક વ્યક્તિ એવો છે કે જ્યારે તે કોઈ શેરી કે રસ્તા પરથી પસાર થાય છે અને કોઈ પણ વ્યક્તિને ખરાબ સ્થિતિ મા જોય ત્યારે તે તેમની પાસે જાય છે, તેમની સાથે વાત કરે છે અને તેમના વિશે જાણવાનો પ્રયત્ન કરે છે, પછી તે તેમની જરૂરિયાત પૂરી પાડે છે.ત્યારે હાલમાં તેઓએ સુરતના ઉધના રોડ નંબર નવ ખાતે રહેતા અને સાઇકલ પર જ નાની મોટી વસ્તુઓ વેચી કમાણી કરતા અને સાયકલ પર જ સુઈ જતા એવા એક દિવ્યાંગ વ્યક્તિને તરુણ મિશ્રાએ પગભર કરી માનવતા મહેકાવી છે.

આ દિવ્યાંગ વ્યક્તિનું નામ છે દિલીપ આત્મારામ પાટીલ.અને તેઓ 44 વર્ષના જેમણે ઇમેજિન સુરત  સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમના પરિવારમાં કોઈ જ નથી અને છ વર્ષ પહેલા ઊંઘમાં તેઓ બીજા માળેથી પડી જતા અકસ્માત સર્જાયો હતો અને તેને કારણે તેમણે બંને પગ ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારથી તેઓ હાથ સાઇકલ ચલાવી તેના પર નાની મોટી વસ્તુઓનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ઘણીવાર તેમને કડવા અનુભવ પણ થયા કારણકે ભારે વજન સાથે સાયકલ ચાલતી વખતે ખૂબજ મુશ્કેલી પડટી,ત્યારે ઘણા વ્યક્તિને ભાઈ બાપા કરવા છતાં પણ કોઈ વ્યક્તિ તેમની સાયકલને ધક્કો સુધા મારી આપતા ન હતા. પરંતુ હાલ તેઓએ જણાવ્યું કે તરુણ મિશ્રાના રૂપમાં તેમને ભગવાન મળ્યા છે. કારણ કે તેઓએ દિલીપભાઈ ની તમામ મુસીબતો અને સમસ્યાઓને દૂર કરી છે અને તેમને એક કેબિન બનાવી આપ્યું, એટલું જ નહીં તેમાં વેચાણ માટેનો સામાન પણ ભરી આપ્યો. જેથી હવે દિલીપભાઈએ સાયકલ પર રહેવાની કે વજન સાથે સાઇકલ ફેરવવાની જરૂર નહીં પડે. દિલીપભાઈ કહે છે કે તરુણભાઈ નો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે કારણ તેમણે મારી દરેક તકલીફોની નિસ્વાર્થ ભાવે નિરાકરણ લાવ્યું છે.

હેલ્પ લાઇફ ફાઉન્ડેશનના ફાઉન્ડર હોંશીલા અને માનવસેવાની ધગશ ધરાવતા, તરુણ મિશ્રા જણાવે છે કે તેને લોક સેવા કરવાની લત લાગી છે. જો દિવસમાં તે કોઈની મદદ ન કરે કે કોઈના કામ ન આવી શકીએ તો એ સફળ ન ગણાય. ‘દરેક વ્યક્તિ પોતાના માટે જીવે છે,પરંતુ ક્યારેક બીજા માટે પણ જીવવાનો પ્રયાસ કરવો જોઈએ, તરુણ માટે લોક સેવા અને માનવતા જ તેનું શસ્ત્ર છે, જેના આધારે તે દેશ અને સમાજની સેવા કરી રહ્યો છે. અત્યાર સુધી તરુણ મિશ્રા અને તેમની ટીમે અનેક ની :સહાય,નિરાધાર, અને માનસિક રીતે પીડિત લોકોની સેવા કરી છે. તેઓએ નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધીના વ્યક્તિઓને ફૂટપાથથી લાવી શેલ્ટર હોમમાં આશરો અપાવ્યો છે. ગરીબ લોકોની મદદ કરી છે.

એટલુજ નહિ પણ આ તમામ લોકોને તે પોતાનો પરિવાર જ માને છે અને સમયાંતરે તેમની મુલાકાત લે છે અને તેમની સેવા કરે છે.તરુણ કહે છે કે સમાજનો દરેક વ્યક્તિ સેવા કરી શકે છે અને એ જરૂરી નથી કે તે મોટા પાયે હોય, કોઈ પણ પ્રકારે હોય એ માત્ર સેવા હોવી જોઈએ. તરુણ માને છે, “તમારો થોડો સમય કોઈની આખી જિંદગી બદલી શકે છે.” તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે દરેક વ્યક્તિ સમાજ સેવાના કાર્યમાં જોડાય અને પોતપોતાના ભાગનું કામ કરે. તરુણને ફાઉન્ડેશનના ફંડિંગ દ્વારા જે પૈસા મળે છે તે આ લોકોની મદદમાં જ ખર્ચે છે

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *