Surat : શાહરૂખની ફિલ્મ પઠાણનો વિવાદ સુરત પહોંચ્યો, VHP દ્વારા ફિલ્મની રિલીઝ અટકાવવા માંગ
શાહરૂખ ખાનની (Shahrukh Khan )આગામી ફિલ્મ પઠાણનો (Pathan )વિવાદ હવે સુરત પહોંચી ચુક્યો છે. પઠાણ ફિલ્મના એક ગીતમાં ભગવા રંગના અંતરવસ્ત્રોમાં અભિનેત્રી દિપીકા પાદુકોણ નજરે પડતાં સમગ્ર દેશમાં ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સુરત જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવીને આ વિવાદાસ્પદ ફિલ્મ પઠાણને ગુજરાતમાં રિલીઝ ન થવા દેવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આ દરમ્યાન વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જો ફિલ્મને ગુજરાતના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે તો તેના બહિષ્કાર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આજે જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલા આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, હિન્દુ ધર્મના પવિત્ર, શોર્ય અને બલિદાનનો સંદેશ આપતા ભગવા રંગને પઠાણ ફિલ્મમાં બેશર્મ રંગ રહીને અશ્લીલ દ્રશ્યો દેખાડવામાં આવ્યા છે. જે સનામત હિન્દુ ધર્મના ધરાર અપમાન સમાન છે. આ પ્રકારના વિવાદાસ્પદ ફિલ્મને ગુજરાતના થિયેટરોમાં રિલીફ ન કરવા દેવા અંગે રજુઆત કરવા સાથે ફિલ્મ બનાવનારાઓ વિરૂદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉચ્ચારવામાં આવી છે.
આ અંગે વધુમાં વિશ્વ હિન્દુ પરિષદ સુરત વિભાગના મંત્રી નિલેશ અકબરીએ જણાવ્યું હતું કે, હિન્દુ ધર્મની મજાક ઉડાવવાનું બંધ કરવામાં આવે અને જો આ પ્રકારના કૃત્ય કરવામાં આવશે તો તેનો વળતો જવાબ આપવામાં આવશે. તેઓએ ઉગ્ર વિરોધ સાથે જણાવ્યું હતું કે, તેમ છતાં જો કોઈ સિનેમા ગૃહ દ્વારા પઠાણ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે તો વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા તેના અસ્સલ મિજાજથી જવાબ આપવામાં આવશે.