ઉત્તરાયણ પહેલા સાવચેતી : સુરત ફ્લાયઓવર બ્રિજ પર સલામતી માટે તાર લગાવવામાં આવ્યા
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ધામધૂમથી ઉજવાતા ઉત્તરાયણના તહેવાર પૂર્વે પતંગના ઘાતકી દોરાથી જીવલેણ અકસ્માતો સર્જાવા પામતા હોય છે. જેને પગલે સુરત મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા દર વર્ષે શહેરમાં આવેલા તમામ બ્રિજો પર આજથી લોખંડના તાર બાંધવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ડિસેમ્બર મહિનાના આગમન સાથે જ શહેરમાં ઠેર – ઠેર પતંગના ઘાતકી દોરાઓને લીધે બાઈક અને મોપેડ ચાલકો અકસ્માતોના ભોગ બનતા હોય છે.
આ વર્ષે પણ અત્યાર સુધી ત્રણ જેટલા અકસ્માતોમાં બાઈક સવાર યુવકોના ગળા ચીરાઈ જવા પામ્યા છે. અલબત્ત, હવે જ્યારે ઉતરાયણના તહેવારને એક મહિના જેટલો સમય બાકી છે ત્યારે મહાનગર પાલિકાના વહીવટી તંત્ર દ્વારા આજથી શહેરના તમામે તમામ ફ્લાય ઓવર બ્રિજ અને રેલવે ઓવર બ્રિજો પર પતંગના દોરાથી ઘાતકી અકસ્માત ન સર્જાય તે માટે લોખંડના તાર બાંધવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, સુરત શહેરમાં દર વર્ષે આ પ્રકારની કામગીરી પાછળ અંદાજે ત્રણેક કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હોય છે અને જેને લીધે બ્રિજ પરથી પસાર થતાં હજ્જારો ટુ વ્હીલર વાહન ચાલકોને પતંગના જીવલેણ માંજા સામે રક્ષણ મળી રહે છે. આ સિવાય અલગ – અલગ સંસ્થાઓ દ્વારા પણ ગળાના ભાગે પહેરવા માટે સેફ્ટી બેલ્ટનું વિતરણ પણ કરવામાં આવતું હોય છે.