શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન : સચીનમાં પૂર્વ પ્રેમીએ સરાજાહેર પ્રેમિકાનું ગળું કાપી નાખતા ચકચાર

શહેરમાં ગ્રીષ્મા હત્યાકાંડે ભારે ચકચાર મચાવી દીધી હતી. ત્યારે ફરી એકવાર ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાનું પુનરાવર્તન થવા પામ્યું છે. સચિન વિસ્તારમાં રહેતા યુવકને એક યુવતી સાથે પ્રેમ હતો અને તે લગ્ન માટે દબાણ કરતો હતો પરંતુ યુવતી તેના તાબે થઇ ન હતી. આ દરમિયાન ગતરોજ યુવતી તેની સહેલીઓ સાથે કામ પર જવા નીકળી હતી. યુવતી સચીનમાં એપ્રીલ પાર્કના ગેટની સામેથી ચાલતી ચાલતી પસાર થયો રહી હતી ત્યારે તેનો પૂર્વ પ્રેમી પાછળથી અચાનક જ આવી તેણીના ગળા પર કટર ફેરવી દઈ હત્યાની કોશિશ કરી હતી. જેથી તાત્કાલિક તેની સહેલીઓએ તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવને પગલે પોલીસે પૂર્વ પ્રેમી સામે હત્યાની કોશિશનો ગુનો નોંધી તપાસ આદરી છે.
બનાવની વિગત એવી છે કે મૂળ ઉમરપાડાના ચારણીગામ અને હાલ શહેરમાં સચીન સુડા સેકટર સાંઈનાથ સોસાયટીમાં આજુબાજુના ગામના લોકો સાથે ભાડેથી રહેતા નિલમબેન કાંતીલાલ વસાવા (ઉ.વ.૨૨) સચીન એપ્રેલ પાર્કમાં આવેલ બાસવાડા જેકેટ કંપનીમા સિલાઈન મશીન અોપરેટર તરીકે નોકરી કરે છે. નિલમબેનનો અગાઉ તેની સાથે કામ કરતા રામસિંગ ગુલાબસિંગ પાડવી (રહે, બોરદાગામ નીશાળ ફળિયુ, નિઝર તાપી) સાથે પ્રેમસંબંધ હતો. તેના પરિવારના લોકો માંગુ પણ લઈને આવ્યા હતા.
પરંતુ રામસિંગનો સ્વભાવ અને વર્તન બરાબર ન હોવાથી તેની સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. ત્યારબાદ રામસિંગ અવાર નવાર નિલમને તેની સાથે રાખવા માટે દબાણ કરતો હતો. પરંતુ નિલમ તેના તાબે થઈ ન હતી. આ દરમિયાન ગઈકાલે સવારે નિલમબેન તેમની બહેનપણી સાથે કામ પર જવા માટે નિકળ્યા હતા. નીલમ એપ્રીલ પાર્ક કંપનીના મેઈન ગેટની સામેથી પસાર થઇ રહી હતી ત્યારે જ પાછળથી પુર્વ પ્રેમી રામસિંગ ગુલાબસિંહ પાડવી પણ આવ્યો હતો. નીલમ હજુ કંઈ પણ સાંજે કે વિચારે તે પહેલા રામસિંગે પાછળથી તેમના ગળા પર કટર ફેરવી ગળુ ચીરી નાંખ્યું હતું. નિલમ ઉપર થયેલા હુમલાથી તેની બહેનપણીઓ પણ હેબતાઈ ગઈ હતી. અને ગળામાંથી લોહીની ઉડતા ફુવારા સાથે તે ત્યાં જ ઢળી પડી હતી. ગંભીર હાલતમાં નિલમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.
બીજી તરફ પ્રેમીકા તાબે નહી થતા પુર્વ પ્રેમીએ સરાજાહેર ગળાના ભાગે કટર ફેરવી હત્યા કરવાની કોશિષ કરવામાં આવી હોવાના બનાવની જાણ થતા સચીન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવેલ નિલમબેનની ફરિયાદ લઈ પુર્વ પ્રેમી રામસિંગ પાડવી સામે હત્યાની કોશિષનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીના ત્રાસથી યુવતીએ અગાઉ સુરત છોડ્યું હતું
આરોપી રામસિંગ તેની સાથે સબંધ રાખવા અને લગ્ન કરવા માટે નીલમને દબાણ કરી હેરાન પરેશાન કરતો હતો. જેથી આખરે તેના ત્રાસથી કંટાળીને સુરત છોડીને પરત વતન ચાલી ગઈ હતી. જોકે ફરીથી કામધંધા માટે નિલમ સુરત આવી સચીનમાં રહેવા લાગતા ફરી રામસિંગ પાડવીએ તેનો પીછો કરવાનું શરુ કરી હેરાન પરેશાન કરવા લાગ્યો હતો. ગત તા ૧૭મીના રોજ નિલમ એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગઈ હતી ત્યારે પણ રામસિંગ તેની પાછળ આ્પી એટીએમ કાર્ડ અને મોબાઈલ ખેંચી તેની સાથે આવવા માટે દબાણ કરવા લાગ્યો હતો. જોકે જેતે સમયે રાહદારીઅો ભેગા થઈ જતા રામસિંગએ મોબાઈલ અને એટીએમ આપી નાસી ગયો હતો. રામસિંગના રોજના ત્રાસથી કંટાળીને નિલમબેને તેનો મોબાઈલ નંબર પણ બ્લોક કરી દીધો હતો.