ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ ફરીવાર પોતાની સરકારની ખોલી પોલ: વિદ્યાર્થીઓના અભ્યાસ મુદ્દે મુખ્યમંત્રીને લખ્યો પત્ર
ઉગ્ર રજૂઆત માટે જાણીતા ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી ફરી એકવાર પોતાની જ સરકાર સામે શિંગડા ભેરવ્યા છે.આ વખતે કુમાર કાનાણીએ ખુદ સરકારને પત્ર લખીને વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓનો મુદ્દો ઉઠાવ્યો છે. વિદેશ જવા માંગતા વિદ્યાર્થીઓ માટેની લોનની પ્રોસેસ સરળ કરવા માટે સરકારને રજૂઆત કરી છે.
હાલના આ સમયમાં વિદ્યાર્થીઓ વિદેશ ભણવા જવાનું વધુ પસંદ કરે છે પરંતુ વિદેશ જતા વિદ્યાર્થીઓને સમયસર લોન ન મળતા તેમનું વિદેશ જવાનું અટવાય છે. ત્યારે આ મુદ્દે સુરતના વરાછા વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. તેઓએ આ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાત સરકારની યોજના અંતર્ગત ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા વિદેશ અભ્યાસ માટે લોન આપવામાં આવે છે. આ યોજનામાં વિદ્યાર્થીઓ લોન માટે અરજી કરે છે પરંતુ તેમને વિઝા બાદ એડમિશન મળી જાય અને વિદેશ જવાનું થાય ત્યારે પણ લોન મળતી નથી. તેમજ વિદેશ ગયા પછી પણ છ મહિના સુધી લોનના રૂપિયા મળતા નથી. જેને કારણે વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તેમના ભવિષ્ય જોખમમાં મુકાય છે જેથી આવી અરજી થયેલા વિદ્યાર્થીઓની લોન તાત્કાલિક મંજૂર થાય તેવી રજૂઆત પત્ર દ્વારા મુખ્યમંત્રીને કરી છે.
ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય કુમાર કાનાણીએ અગાઉ પણ પોતાની જ સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.અગાઉ તેમણે સુરત મનપાની સંકલન બેઠક મા દબાણનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે 25 વર્ષથી હું સરકારી જવાબો સાંભળીને કંટાળી ગયો છું મને વાયદા નહીં પરિણામ આપો. આ ઉપરાંત ટ્રાફિકની સમસ્યા અંગે પણ કુમાર કાનાણી ધારદાર રજૂઆત કરતા જોવા મળ્યા છે ત્યારે હવે કુમાર કાનાણી મુખ્યમંત્રીને લખેલો આ પત્ર તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ફરીવાર સરકારની નિષ્ક્રિયતાને ઉજાગર કરી છે.