આમ આદમી પાર્ટીના 6 નગરસેવકોનું ભાજપે કર્યું રાજકીય એન્કાઉન્ટર : ઈસુદાને કહ્યું ભાજપ કરી રહ્યું છે વિપક્ષને ખતમ કરવાનું ષડયંત્ર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીને(AAP) ફરી એક વાર ઝટકો લાગ્યો છે. ભાજપે આમ આદમી પાર્ટીનું રાજકીય એન્કાઉન્ટર કર્યું હોય તેમ એક બે નહીં પણ છ કોર્પોરેટરોએ મોડી રાત્રે ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પણ 4 કોર્પોરેટરો આપને અલવિદા કહી ચુક્યા છે. સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પહેલીવાર વિપક્ષમાં બેસનારી આમ આદમી પાર્ટીના હવે કુલ 10 કોર્પોરેટરો પાર્ટીનો છેડો ફાડી ચુક્યા છે.
સુરતમાં આમ આદમી પાર્ટીના કુલ 27 નગરસેવકોને જનતાને ચૂંટીને મોકલ્યા હતા. પણ હવે તેમાંથી 10 કોર્પોરેટરો ભાજપમાં જોડાઈ જતા હવે ફક્ત 17 નગરસેવકો જ વિપક્ષમાં બચ્યા છે. ચર્ચા પ્રમાણે બીજા પાંચ નગરસેવકો પણ ભાજપમાં જોડાય તેવી તૈયારી કરી રહ્યા છે. જે નગરસેવકો આપમાં જોડાયા તેમાં વોર્ડ નંબર 17ના સ્વાતિબેન કયાડા, વોર્ડ નંબર 5ના નિરાલી પટેલ, વોર્ડ નંબર 4ના ધર્મેન્દ્ર વાવલિયા, વોર્ડ નંબર5ના અશોક ધામી અને કિરણ ખોખરી તેમજ વોર્ડ નંબરના ઘનશ્યામ મકવાણાનો સમાવેશ થાય છે.
મોડી રાતે 11 વાગ્યાની આસપાસ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા અને ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં આ તમામ નગરસેવકોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો. યોગીચોક ખાતે ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના ઘરે આ બાબતે મિટિંગ કરવામાં આવી હતી. ભાજપમાં જોડાવવા માટે તેઓને 50 થી 75 લાખ પણ આપવામાં આવ્યા છે. અને ધાક ધમકી લાલચ આપીને ભાજપે વિપક્ષને ખતમ કરવાનું ષડયંત્ર કર્યું છે.
જે નગરસેવકો ભાજપમાં જોડાયા છે તેઓએ પ્રજા સાથે દ્રોહ કર્યો છે, અને લોકતંત્રની હત્યા કરી છે. આગામી દિવસોમાં ભાજપ વિરુદ્ધ સહી ઝુંબેશ શરૂ કરાશે તેવું ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું.