ચાર વર્ષ પહેલા આ જ દિવસે થઇ હતી બાલાકોટ એર સ્ટ્રાઇક : ઓપરેશન બંદર નામ કેમ અપાયું હતું ?
ચાર વર્ષ પહેલા 2019માં આ દિવસે (26 ફેબ્રુઆરી) ભારતીય વાયુસેનાએ જવાબમાં બાલાકોટ (Balacot) એર સ્ટ્રાઈક કરી હતી. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં CRPF જવાનોના કાફલા પર થયેલા આત્મઘાતી હુમલાના 12 દિવસ બાદ ભારતે બાલાકોટ એર સ્ટ્રાઈક કરી હતી, જેમાં ‘ઓપરેશન બંદર’ના નામે એરફોર્સના સફળ હવાઈ હુમલાના ચાર વર્ષ પૂરા થયા હતા. 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પછી આ પ્રથમ વખત હતો જ્યારે ભારતીય વિમાને સરહદ પાર આ પ્રકારનો હવાઈ હુમલો કર્યો હતો.
14 ફેબ્રુઆરી 2019 ના રોજ, પુલવામામાં જૈશ-એ-મોહમ્મદ (JeM) દ્વારા કરવામાં આવેલા હુમલામાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF) ના 40 જવાનો માર્યા ગયા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતીય વાયુસેનાએ બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી પ્રશિક્ષણ કેમ્પને નષ્ટ કરી દીધો. વાયુસેનાના મિરાજ 2000 ફાઇટર જેટના એક આખા જૂથે જવાબી હુમલા માટે ભારત-પાકિસ્તાનની સરહદ પાર કરી હતી.
ઓપરેશનને ‘ઓપરેશન બંદર’ નામ આપવામાં આવ્યું હતું.
હવાઈ હુમલો કરવા અને સુરક્ષિત પાછા આવવા માટેના સમગ્ર ઓપરેશનને ‘ઓપરેશન બંદર’ (મંકી) નામ આપવામાં આવ્યું હતું. આ નામ ગુપ્તતા જાળવવા અને એર સ્ટ્રાઈકની યોજના લીક ન થઈ જાય તેની ખાતરી કરવા માટે આપવામાં આવ્યું હતું. જો કે આ નામો પાછળ કોઈ ચોક્કસ કારણ નથી, પરંતુ મળતી માહિતી અનુસાર, ભારતની યુદ્ધ સંસ્કૃતિમાં વાંદરાઓનું હંમેશાથી વિશેષ સ્થાન રહ્યું છે. જેના કારણે આ સમગ્ર ઓપરેશનને ‘ઓપરેશન મંકી’ નામ આપવામાં આવ્યું હતું. રામાયણની જેમ ભગવાન રામના લેફ્ટનન્ટ ભગવાન હનુમાન ચૂપચાપ લંકામાં પ્રવેશ્યા અને રાવણની લંકાનો નાશ કર્યો. તેવી જ રીતે, આ ઓપરેશનમાં ભારતીય વાયુસેનાના વિમાન પાકિસ્તાનની જમીનમાં ઘૂસી ગયા હતા અને આતંકવાદી છાવણીઓ પર વિનાશ વેરીને પરત ફર્યા હતા.
બાલાકોટ એર સ્ટ્રાઈક કેવી રીતે કરવામાં આવી હતી?
બાલાકોટ પાકિસ્તાનના માનશેરા જિલ્લામાં આવેલું એક શહેર છે. તે એલઓસીથી લગભગ 50 કિમી દૂર છે અને ગુપ્તચર એજન્સીઓમાં “આતંકવાદના હબ” તરીકે જાણીતું છે. તે લાંબા સમયથી અમેરિકી સેનાના રડાર પર છે અને એબોટાબાદથી 50 કિમી દૂર છે જ્યાં અલ-કાયદાના વડા ઓસામા બિન લાદેનને અમેરિકી દળોએ માર્યો હતો.
મળતી માહિતી મુજબ 26 ફેબ્રુઆરીએ 12 મિરાજે અનેક એરબેઝ પરથી ઉડાન ભરી હતી અને જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પ પર હુમલો કર્યો હતો. IAF પાઈલટોએ પાંચ સ્પાઈસ 2000 બોમ્બ ફેંક્યા, જેમાંથી ચાર ઈમારતની છતમાં ઘૂસી ગયા જ્યાં આતંકવાદીઓ સૂતા હતા. આ હુમલો સવારે સાડા ત્રણ વાગ્યે કરવામાં આવ્યો હતો. ભારતીય વાયુસેનાના જેટ બોમ્બ ફેંક્યાની થોડી જ મિનિટોમાં પાછા ફર્યા.આ હુમલાઓનો હેતુ પાકિસ્તાનને પાઠ ભણાવવાનો અને એ કહેવાનો હતો કે ભારત હવે ચૂપ નહીં બેસીને હુમલાને બદલે હુમલો કરશે.