સુરતીઓ પર ઝીંકવામાં આવેલ વેરો આજે શાસકો ઘટાડશે કે કેમ તેના પર સૌની નજર
મનપા કિમશનર દ્વારા રજૂ કરાયેલ વર્ષ 2023-24ના 7707 કરોડના ડ્રાફટ બજેટ અને વર્ષ 2022-23ના રિવાઇસ બજેટ બાબતે આજથી સ્થાયી સમિતિ દ્વારા બજેટ બેઠકનું પ્રારંભ થયો છે. ખાસ કરીને વહીવટી તંત્ર દ્વારા યુઝર્સ ચાર્જિસ સહિત મિલકત વેરામાં ઝિંકાયેલ 307 કરોડના વધારાના મુદ્દે સ્થાયી સમિતિ પ્રજાના હિતમાં ઘટાડો દર્શાવે છે કે કેમ? તે જોવું રહ્યું. વહીવટી તંત્ર સામાન્ય મિલકત વેરામાં 40 ટકાનો સીધો વધારો સુચવ્યો છે. જોકે, 100 ચો.મી. સુધીની રહેણાંક અને બિન રહેણાંક મિલકતો પર માત્ર સામાન્ય મિલકતવેરામાં થયેલ વધારાનો ભાર જ સુચિત કરાયો છે. આ મિલકતો પર યુઝર્સ ચાર્જમાં વૃદ્ધિ સુચિત કરવામાં આવી નથી.
સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલ દ્વારા સ્થાયી સમિતિની બજેટ બેઠકનો પ્રારંભ કરવામાં આવ્યો છે. સવારથી મેરેથોન બેઠક ઝોન, વિભાગ દીઠ યોજવામાં આવી છે. જે મોડી સાંજ સુધી યથાવત રહી હતી. સાથે જ શિક્ષણ સમિતિના બજેટને પણ આવરી લેવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા સુચિત ડ્રાફટ બજેટમાં દસથી વધુ આઇકોનિક પ્રોજેક્ટોના સમાવેશના કારણે 3500થી વધુ કરોડના કેપિટલ બજેટ સહિત કુલ 7707 કરોડ રૂપિયાનો બજેટ સુચવાયો છે.
એટલું જ નહીં પ્રથમ વખત 352 કરોડની પુરાંત સાથેનું ડ્રાફટ બજેટ સુચવાયું છે. 352 કરોડની પુરાંત સુચિત છતાં વહીવટી તંત્ર દ્વારા 100 કરોડના ગ્રીન બોન્ડ લેવા માટેનો આયોજન આશ્ચર્યની વચ્ચે કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર દ્વારા શહેરીજનો પર યુઝર્સ ચાર્જિસ અને મિલકતવેરા પેટે નાંખવામાં આવેલ 307 કરોડના વધારાના મુદ્દે ભાજપ શાસકો કેવું વલણ અપનાવે છે? તે જોવું રહ્યું.
કોંગ્રેસ ના અગ્રણીઓ દ્વારા સ્થાયી સમિતિની બજેટ બેઠક પૂર્વે વેરા ઘટાડાની માંગણી સાથે સ્થાયી અધ્યક્ષને આવેદન પત્ર પાઠવ્યું હતું. સ્થાયી સમિતિ દ્વારા વહીવટી તંત્રએ સુચવેલ ડ્રાફટ અને રિવાઇઝ બજેટમાં જરૂરી સુધારાવધારા સાથેનું ડ્રાફટ બજેટ સામાન્ય સભા સમક્ષ રજૂ કરશે. આગામી 16-17 ફેબ્રુઆરીના રોજ મનપાની બજેટ બોર્ડનું આયોજન કરવામાં આવી શકે છે. સૌથી મહત્ત્વની બાબત યુઝર્સ ચાર્જિસ સહિતના મિલકત વેરામાં ઘટાડો થાય છે કે કેમ? તે જોવું રહ્યું. સ્થાયી સમિતિ દ્વારા વહીવટી તંત્ર દ્વારા સુચિત રેવન્યુ આવકના માળખામાં કોઈ મોટા ફેરફાર કરે તેવી શક્યતા દેખાતી નથી.