સપ્ટેમ્બરના 10 જ દિવસમાં ગુજરાતમાં ઓગસ્ટ કરતા વરસ્યો વધુ વરસાદ
લાંબા વિરામ બાદ રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી ફરી એકવાર ચોમાસું(Monsoon) સક્રિય થયું છે. સપ્ટેમ્બરના પ્રથમ 10 દિવસમાં સમગ્ર ઓગસ્ટ મહિના કરતાં વધુ વરસાદ થયો હતો. ઓગસ્ટ મહિનામાં લગભગ એક ઇંચ (25.49 મીમી) વરસાદ થયો હતો, જ્યારે આ મહિનાના માત્ર દસ દિવસમાં દોઢ ઇંચ (39 મીમી) થી વધુ વરસાદ થયો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં 86.26 ટકા ચોમાસાનો વરસાદ નોંધાયો છે. 33માંથી માત્ર સાત જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ થયો છે. જો છેલ્લા 30 વર્ષમાં રાજ્યમાં થયેલા વરસાદ પર નજર કરીએ તો દર વર્ષે સરેરાશ 877 મીમી (લગભગ 35 ઇંચ) વરસાદ થયો છે. તેની સરખામણીમાં અત્યાર સુધીમાં 756 મીમી વરસાદ પડી ગયો છે. આમાંથી 50 ટકાથી વધુ વરસાદ જુલાઈ મહિનામાં (449 મીમી) થયો હતો. જ્યારે જૂન મહિનામાં 242 મીમી વરસાદ નોંધાયો હતો. સૌથી ઓછો વરસાદ ઓગસ્ટ મહિનામાં થયો છે.જો પ્રદેશના આધારે જોવામાં આવે તો કચ્છ વિસ્તારમાં સૌથી વધુ 137 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 111 ટકા, દક્ષિણ ગુજરાતમાં 81 ટકા, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 72 ટકા અને ઉત્તર ગુજરાતમાં 71 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
વરસાદનું જોર ઘટ્યું
રવિવારે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું. કેટલાક સ્થળોએ હળવો વરસાદ અને ઝરમર ઝરમર ઝરમર ઝરમર વરસાદ નોંધાયો છે. 24 કલાકમાં 79 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફ અને તાપી નિઝરમાં સૌથી વધુ બે-બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડા, છોટા ઉદેપુર, દાહોદ, મહિસાગર અને આણંદ જિલ્લામાં કેટલાક સ્થળોએ એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો.માત્ર આ સાત જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના કુલ 33 જિલ્લાઓમાંથી માત્ર સાત જિલ્લામાં 100 ટકા કે તેથી વધુ વરસાદ થયો છે. જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ 153 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં 137 ટકા, ગીર સોમનાથમાં 132, રાજકોટમાં 115, જામનગરમાં 112, દેવભૂમિ દ્વારકામાં 110 અને ભાવનગર જિલ્લામાં 106 ટકા વરસાદ નોંધાયો છે.