શહેર જિલ્લામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ધરતીપુત્રોમાં ખુશીની લહેર
સુરત શહેર – જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારના પ્રારંભ સાથે જ મેઘરાજાની(Rain) શાહી સવારીનું આગમન થતાં ખેડૂતોથી માંડીને શહેરીજનોમાં ભારે રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા દોઢ મહિનાથી મેઘરાજાએ વિરામ લેતાં શહેરમાં અસહ્ય ઉકળાટ અને ગરમીને કારણે શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. બીજી તરફ જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ચોમાસુ પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હતી. આ સ્થિતિમાં છેલ્લા બે દિવસથી વાદળોની સંતાકુકડી વચ્ચે મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થતાં ધરતીપુત્રો પણ ગેલમાં આવી ગયા છે.
છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી સુરત શહેર – જિલ્લામાં મેઘરાજાની ગેરહાજરીને પગલે સૌથી વધુ કફોડી સ્થિતિ ખેડૂતોની થવા પામી હતી. આખે આખો ઓગસ્ટ મહિનો વરસાદની ચાતક નજરે રાહ જોનારા ખેડૂતોમાં ચોમાસું પાક નિષ્ફળ જવાની ભીતિ ઉભી થવા પામી હતી અને જેને પગલે ઉકાઈ ડેમમાંથી પાક માટે નહેરમાં પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, ગઈકાલથી મેઘરાજાનું આગમન થતાં ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી છે.
આ સિવાય સુરત શહેરમાં પણ ગઈકાલથી શરૂ થયેલી વરસાદની હેલી આજે પણ યથાવત્ રહેવા પામી છે. સવારથી જ શહેરના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી ઝાંપટાને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને નોકરી – ધંધા માટે નીકળેલા નાગરિકોએ વધુ એક વખત રેઈનકોટ અને છત્રીનો સહારો લેતાં નજરે પડ્યા હતા.