મસ્જિદ પર લાઉડ સ્પીકરના ઉપયોગ પર ગુજરાત હાઇકોર્ટે માંગ્યો જવાબ : આગામી સુનાવણી 19 જૂનના રોજ
ગુજરાત હાઈકોર્ટે(High Court) મસ્જિદોમાં લાઉડ સ્પીકરનો ઉપયોગ અને તેના કારણે થતા ધ્વનિ પ્રદૂષણ અંગે દાખલ કરાયેલી પીઆઈએલની સુનાવણી દરમિયાન ફરી રાજ્ય સરકાર પાસે જવાબ માંગ્યો છે.
એક્ટિંગ ચીફ જસ્ટિસ જસ્ટિસ એ.જે.દેસાઈ અને જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે રાજ્ય સરકારને આ મામલે પોતાનો જવાબ દાખલ કરવા જણાવ્યું હતું. જેમાં રાજ્ય સરકારે આ મામલે અત્યાર સુધી લીધેલા પગલાની માહિતી આપવાની રહેશે. આ મામલાની આગામી સુનાવણી 19 જૂનના રોજ નક્કી કરવામાં આવી છે. અરજદાર વતી મસ્જિદોમાં મોટા લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે. આ કેસમાં ધ્વનિ પ્રદૂષણનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
પોલીસની પરવાનગી લેવી પડશે
અગાઉ હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે લગ્ન અને અન્ય ફંક્શનમાં પણ ધ્વનિ પ્રદૂષણ થાય છે. આના પર, અરજદાર વતી કહેવામાં આવ્યું હતું કે લગ્ન વિધિ જીવનમાં એક જ વાર થાય છે. આમાં, લાઉડ સ્પીકરનો ઉપયોગ મર્યાદિત સમય માટે કરવામાં આવે છે. પરંતુ મસ્જિદોમાં પાંચ વખત લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં મોટા અવાજને કારણે ધ્વનિ પ્રદૂષણ થાય છે. જો અન્ય ધાર્મિક પ્રસંગો દરમિયાન લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ છે, તો પછી મસ્જિદોમાં લાઉડસ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ કેમ નથી? કોઈપણ ફંકશનમાં લાઉડ સ્પીકર વગાડવા માટે પોલીસની પૂર્વ પરવાનગી લેવી પડે છે.
અરજદારે કહ્યું કે તેને અજાન સામે કોઈ વાંધો નથી, પરંતુ વાંધો લાઉડ સ્પીકર્સથી થતા ધ્વનિ પ્રદૂષણને લઈને હતો. આ મામલે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ગાંધીનગર જિલ્લા બજરંગદળના પ્રમુખે પણ ભાગ લેવા માંગ કરી હતી. આ મામલે અગાઉ દાખલ કરવામાં આવેલી પીઆઈએલમાં દલીલ કરવામાં આવી હતી કે ધ્વનિ પ્રદૂષણ સંબંધિત જોગવાઈઓનું ઉલ્લંઘન કરનારાઓ પર પ્રતિબંધ મૂકવો જોઈએ.