Surat: નવાપુરા ગોલવાડ ખાતે લાકડાના મકાનમાં ભીષણ આગ: ફસાયેલી મહિલાને ફાયર જવાનોએ રેસ્ક્યૂ કરી
સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આજ રોજ સવારના સમયે એક મકાનમાં અગમ્યકારણોસર આગ લાગતા ભાગદોડ મચી ગઈ હતી. ત્રણ માળના મકાનમાં ત્રીજા માટે લાગેલી આગ વકરતા બીજા માળમાં પણ આગ પ્રસરી ગઈ હતી. ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર જવાનો પર પહોંચ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યા આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઉપરાંત ઘરમાં ફસાયેલ એક મહિલાને ફાયર વિભાગના જવાનોએ રેસ્ક્યુ કરી બચાવી લીધી હતી.
સુરતના નવાપુરા ગોલવાડ વિસ્તારમાં આવેલ એક મકાનના ત્રીજા માળે પતરા ના શેડમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી જતા નાશ ભાગ મચી ગઈ હતી. મકાન લાકડાનું હોય આગ ઝડપથી પ્રસરી હતી અને જોત જોતા માં આગને કારણે મકાનનો બીજો માળ પણ આગની ઝપેટમાં આવી ગયો હતો. મકાનના ત્રીજા માળે આગ લાગી તે સમયે એક મહિલા ઘરમાં હાજર હતા. જેને કારણે સ્થાનિકો તેમજ મકાનના અન્ય રહેવાસીઓમાં ભયનો માહોલ ઉભો થયો હતો.
ઘટના અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવતા માન દરવાજા ,નવસારી બજાર મજુરા ફાયર સ્ટેશન,અને ઘાંચી શેરીની ચાર થી પાંચ ફયારની ગાડીઓ સ્થળ પર પહોંચી હતી. જોકે ફાયર વિભાગ સ્થળ પર પહોંચ્યું તે પહેલા આગ બીજા માળ સુધી પ્રસરી ગઈ હતી જેથી ફાયરના જવાનોએ સૌપ્રથમ ત્રીજા માળે ફસાયેલ દમયંતીબેન નામની મહિલાને ઘરમાંથી રેસ્ક્યુ કરી સહી સલામત બહાર કાઢ્યા હતા. જેથી ત્યાં હાજર સૌ કોઈએ રાહત નો શ્વાસ લીધો હતો. ત્યારબાદ ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કરી આગને કાબૂમાં લીધી હતી. જુના મકાનના પતરાના શેડ પર આગ કયા કારણોસર લાગી તે તો હાલ જાણી શકાયું નથી પરંતુ આગ લાગવાને કારણે ઘરવખરીનો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નો બનાવ બન્યો ન હતો