વિદેશની જેમ સુરતવાસીઓને પણ ભવિષ્યમાં ‘હેલ્ધી સ્ટ્રીટ’નો લાભ મળશે
વિદેશની જેમ સુરતવાસીઓને પણ ભવિષ્યમાં ‘હેલ્ધી સ્ટ્રીટ’નો લાભ મળશે:મનપા દ્વારા પ્રથમ વખત આ કન્સેપ્ટ અમલી બનાવવાની તજવીજ હાથ ધરાઇ
સ્ટ્રીટ ફૂડ માટે જાણીતી શહેરની પ્રજાને માટે મનપા દ્વારા પ્રથમ વખત હેલ્ધી સ્ટ્રીટ પોલીસીનો કન્સેપ્ટ અમલી બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ હેલ્થી સ્ટ્રીટમાં ફક્ત સ્વાદપ્રિય શહેરીજનો માટે ફૂડ માટે જ વ્યવસ્થા નહીં સાથે જ શહેરીજનોને વોકીંગ માટે યોગ્ય વાતાવરણ મળી રહે, પબ્લીક ટ્રાન્સપોર્ટને એક્સેસ સરળ હોય, મહિલાઓ-બાળકો-વૃધ્ધો પણ સરળતાથી આ હેલ્થી સ્ટ્રીટમાં હરી ફરી શકે, સ્થાનિય ઉદ્યોગનો વિકાસ થઈ શકે તે રીતે રોડની ડિઝાઇન તૈયાર કરવામાં આવશે.
અમદાવાદમાં સીજી રોડ ખાતે એએમસી દ્વારા હેલ્થી સ્ટ્રીટ ડેવલપ કરવામાં આવી છે. વિદેશોમાં હેલ્થી સ્ટ્રીટ પોલીસી સામાન્ય બાબત છે.વિદેશોમાં આ સ્ટ્રીટોમાં લોકો સરળતાથી હરીફરી શકે છે. ફૂડ સહિતના સ્થાનિય ધંધાઓ સ્ટ્રીટ પર જ ડેવલપ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ સ્ટ્રીટમાં પબ્લીક ટ્રાન્સપોર્ટેશનનું એક્સેસ પણ આપવામાં આવ્યું છે. આ જ થીમ પર સુરત મનપા દ્વારા પણ હેલ્થી સ્ટ્રીટ પોલીસીના ડેવલપમેન્ટ માટેની વિચારણા હાથ ધરવામાં આવી છે. પ્રારંભિક ધોરણે મનપા દ્વારા ઘોડદોડ રોડ તથા અડાજણમાં એલ.પી. સવાણી મેઇન રોડને હેલ્થી સ્ટ્રીટ તરીકે ડેવલપ કરવાની વિચારણા ચાલી રહી છે. મનપા દ્વારા આ અંગે કન્સલ્ટન્ટની નિમણૂક પણ આગામી દિવસોમાં કરવામાં આવશે.
શહેરમાં સ્ટ્રીટ ફૂડ કલ્ચર ખૂબ જ વિકસીત થયો છે. આ સ્ટ્રીટ ફૂડની વિદેશની જેમ શહેરીજનોને સાથે લોકોને આનંદપ્રમોદ, સુરક્ષા, સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન, શોપિંગ સેન્ટર વગેરે એક જ સ્ટ્રીટમાં પૂરું પાડી સાથે, શાળા વાતાવરણમાં સ્ટ્રીટ લાઇફનો આનંદ ઉઠાવી શકે તેવો મનપાનો મૂળ કન્સેપ્ટ છે.