લગ્નનો ખર્ચ ઓછો કરી તે બચતની રકમ દીકરીઓને કરિયાવરમાં આપવા પટેલ સમાજના અગ્રણીઓની અપીલ
સુરતમાં(Surat) સૌરાષ્ટ્રવાસી પટેલ (Patel) સમાજમાં સામાજીક જાગૃતિ માટે 40 વર્ષથી કાર્યરત સંસ્થા શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ-સુરત તરફથી આગામી 5 ફેબ્રુઆરીએ 64માં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. સમૂહ લગ્ન સમારોહમાં 87 યુગલો લગ્નગ્રંથીથી જોડાનાર છે. તેમના માતા-પિતા સાથે સમૂહ લગ્નની વ્યવસ્થા અને માર્ગદર્શન માટે ખાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. લગ્ન પ્રસંગ પાછળ બિનજરૂરી ખોટા ખર્ચ ક૨વાને બદલે તે બચતમાંથી થોડી રકમ દીકરીને કરિયાવરમાં આપવા પટેલ સમાજના અગ્રણીઓએ અપીલ કરી છે.
64માં સમૂહ લગ્નોત્સવના યજમાન જયંતીભાઇ વી. બાબરીયા પરીવાર છે. પોતાના દીકરા સ્મિતની સગાઇ ચાંદલા વિધિને નિમિત્ત બનાવી સમૂહ લગ્નોત્સવમાં 87 દીકરીઓને પરણાવવાનો સંકલ્પ કર્યો છે. 64માં સમૂહ લગ્નોત્સવમાં 87 યુગલોમાં 11 દીકરીઓ પિતા વિહોણી છે. આ દીકરીઓની માતાઓને 11 હજારની સહાય નીતિનભાઇ રાદડિયા બોરાળાવાળાએ કરી હતી.
તે મામેરા તરીકે ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ દીકરીઓને લગ્ન માટેના કપડા વગેરે જરૂરી વસ્તુ ભાડે આપવા જાહેરાત મયુરભાઇ ગજેરાએ કરી હતી. સમૂહ લગ્નમાં જોડાનાર દરેક કન્યાને સોનાની ચૂંક કશ્યપ જ્વેલર્સ તરફથી અને પુસ્તકનો કરિયાવર મનુભાઇ ગોંડલીયા તરફથી મળનાર છે. સૌરાષ્ટ્ર પટેલ સમાજના કાર્યકર્તા ભીખુભાઇ ટિંબડિયાના યુવાન પુત્ર ચિરાગનું કોરોના મહામારીમાં અવસાન થયું હતું.
ચિરાગનો નાનકડો દીકરો અને પત્ની નિરાધાર ન થાય અને પરિવારનું સુખ જળવાઇ રહે તે માટે ભીખુભાઇએ તેના નાના પુત્ર દિવ્યાંગ સાથે તેણીના લગ્ન સમૂહ લગ્નમાં કરવા નિર્ણય કરેલ છે. ભીખુભાઇ અને વેવાઇ પ્રવીણભાઇ પરિવારનું સન્માન કરી અભિનંદન પાઠવ્યા હતા. ખુબ મોટી સંખ્યામાં સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.