પીપલોદ નાઈટ ફૂડ બજાર : કોર્પોરેશનને ભાડામાંથી વર્ષની 40 લાખ આવક મળશે
પીપલોદ(Piplod) નાઇટ ફૂડ બજારમાં 18 સ્ટોલધારકો દ્વારા 2019માં પૂરી થયેલી પાંચ વર્ષની લીઝ બાદ લીઝ રિન્યુ (Renew) કરી આપવાના મુદ્દે મનપાને (SMC) ફેંકેલા કાયદાકીય પડકારમાં મનપાનો આંશિક વિજય થયો છે. તંત્રની લાપરવાહીને પગલે કેટલાય સમયથી કોર્ટમાં પેન્ડીંગ આ ઇશ્યુ ઝડપથી પૂર્ણ કરવા સ્થાયી સમિતિના સભ્ય અને ભાજપી કોર્પોરેટર વ્રજેશ ઉનડકટે વિશેષ ભૂમિકા ભજવી હતી. પૂર્વ મનપા કમિશનરના કાર્યકાળ દરમિયાન ભાજપી કોર્પોરેટરે હાઇકોર્ટમાં પેન્ડીંગ આ કેસ બાબતે મનપાના એડવોકેટ સાથે વ્યક્તિગત પરામર્શ મનપાના હિતમાં કર્યો હતો અને વહીવટી તંત્રની લાપરવાહીને કારણે કોર્ટમાં કેસ પેન્ડીંગ હોવાનું ચિત્ર ઉપસ્થિત થયું હતું.
હાઇકોર્ટમાં દાખલ પીટીશન અન્વયે હાઇકોર્ટ દ્વારાતાજેતરમાં પીટીશન કરનારા સ્ટોલધારકોને ૨૦૧૯માં મનપા દ્વારા ઇશ્યુ કરાયેલ ટેન્ડરમાં આવેલ હાઇએસ્ટ ભાડાની ચુકવણીની શરતે 2024 સુધી સ્ટોલ લેવા તૈયાર હોય તેવા પીટીશનરો પાસે એફીડેવિટ મંગાવી હતી. નિર્ધારિત અવધી સુધી 18 પૈકી 14 સ્ટોલધારકોએ આ અંગે સંમતિ આપી દીધી છે.
એટલે કે આ 14 સ્ટોલધારકો દ્વારા હવે 2019ની ટેન્ડર પ્રક્રિયા દરમિયાન આવેલ હાઇએસ્ટ ભાડા મુજબ 2024 સુધી આ સ્ટોલ પેટે માસિક ભાડાની ચુકવણી કરવાની રહેશે અન્ય ચાર સ્ટોલધારકોને 25 જાન્યુઆરી સુધી હાઇકોર્ટે એફીડેવીટ માટેની મુદત આપી છે. ત્યારબાદ હાઇકોર્ટ દ્વારા આ ચાર સ્ટોલધારકો બાબતે અંતિમ નિર્ણય લેવાશે. વ્રજેશ ઉનડકટે જણાવ્યું કે 14 સ્ટોલ ધારકો દ્વારા આપવામાં આવેલી એફીડેવીટના કારણે મનપાને વાર્ષિક 40 લાખ રૂપિયાની વધારાની આવક ઉપલબ્ધ થશે.