Surat : બાંગ્લાદેશથી સુરતમાં થઇ રહી છે અનૈતિક વેપારની પ્રવૃત્તિ.
દેહવિક્રિય સહીત કેટલાક અનૈતિક કારોબારમાં ખાસ કરીને બાંગ્લાદેશની (Bangladesh )યુવતીઓ તેમજ મહિલાઓને ગેરકાયદેસર રીતે સુરત (Surat )ખાતે ઘુસાડવાના કિસ્સાઓ અગાઉ ઘણીવાર સામે આવી ચુક્યા છે.દરમિયાન ભારતમાં અન્ય દેશમાંથી આવીને વસવાટ કરતા હોય એવા લોકોને ઝડપી પાડવા માટે એસઓજીએ એક ઝુંબેશ શરૂ કરી છે.જેના ભાગરૂપે બાંગ્લાદેશની એક મહિલા સુરત ખાતે અનૈતિક વેપાર માટે આવતી હોય એવી માહિતીના આધારે એસઓજીની ટીમે સુરત રેલવે સ્ટેશન પરથી એક બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરત એસઓજીને બાતમી મળી હતી કે કામરેજ ખાતે રહેતા બાબુ નામના વ્યક્તિએ બાંગ્લાદેશથી ચંપા મોહમ્મદ ફઝલુ (ઉ.વ. 30 ) નામની મહિલાને સુરત ખાતે અનૈતિક વેપાર માટે બોલાવી છે.બાતમીના આધારે આધારે પીએસઆઇ સોલંકી અને તેમની ટીમે ગુરુવારે સવારે 9:00 વાગેથી જ સુરત રેલવે સ્ટેશન નજીક વોચ ગોઠવી દીધી હતી.દરમિયાન હાવડા અમદાવાદ ટ્રેન તેના નિર્ધારિત સમયથી ત્રણ કલાક મોડી હોવાના લીધે બપોરે બાંગ્લાદેશી મહિલા ચંપા સુરત પહોચતાજ પોલીસે તેને ઝડપી પાડી હતી.ત્યાર બાદ તેની તલાશી લેતા તેની પાસેથી બાંગ્લાદેશ અને ભારતના પાસપોર્ટ મળી આવ્યા હતા.
એટલુંજ નહીં પોલીસ તપાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું હતું કે અગાઉ આ મહિલાએ અમરોલી વિસ્તારમાંથી તેને બોગસ પાનકાર્ડ અને રેશનકાર્ડ આધારકાર્ડની મદદથી ભારતનો પાસપોર્ટ બનાવ્યો હતો.પોલીસે બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ભારતમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હોવાનો ગુનો નોંધી વધુ તપાસ મહીધરપુરા પીઆઇ જીતુ ચૌધરી અને પીએસઆઈ મોરિયા કરી રહ્યા છે. વધુમાં સુરત શહેરમાં બે બાંગ્લાદેશી એજન્ટ દ્વારા બાંગ્લાદેશથી મહિલાઓને અનૈતિક વેપાર -ધંધા માટે બોલાવવામાં આવી રહ્યા હોવાની પણ માહિતી મળી છે.જેમાં એક આસીફુલ જે હાલમાં સુરતની જેલમાં છે, જ્યારે અન્ય બાબુ નામનો કામરેજથી નેટવર્ક ચલાવી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું