Surat : સુરતમાં પણ અમદાવાદ જેવી બની ઘટના, લિફ્ટ તૂટતા બે મજૂરોના મોત
આ બિલ્ડિંગમાં બે દિવસ પહેલા જ કામ ઉપર લાગ્યા હતા.જોકે તેમના અકાળે મોત અંગે વતનમાં ખબર પડતા ત્યાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.
સુરતમાં પાંડેસરા વિસ્તારના તિરૂપતિ સર્કલ પાસે નવી બંધાઈ રહેલી હાઈરાઈઝ બિલ્ડિંગમાં આજે સવારે 14 માં માળે લિફ્ટનું કામ કરતી વખતે નિયત્રંણ ખોરવાઈ જતા બે મજૂરો નીચે પટકાયા હતા.એટલી ઊંચાઇએથી નીચે પટકાવવાના કારણે બંને મજુરોના શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યા હતા.એટલુંજ નહીં ઘટના બાબતે ખબર પડતા અન્ય મજૂરો પણ ત્યાં દોડી આવ્યા હતા.સ્થળ ઉપર બંનેના મૃતદેહ જોઈ પરિજનો આક્રન્દ કરવા લાગ્યા હતા.ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને જરૂરી તપાસ શરૂ કરી હતી.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પાંડેસરા પાણી ટાંકી પાસે આવેલ તિરૂપતિ નગરમાં પેલેડિયમ ઇન્ફા નામની 15 માળની નવી બિલ્ડીંગ બઁધાઈ રહી છે.દરમિયાન આજે સવારે કેટલાક મજૂરો અહીં કામ કરી રહ્યા હતા.દરમિયાન બે મજૂરો 14માં માળે લિફ્ટનું કામ કરતા હતા ત્યારે બંનેનું બેલેન્સ ખોરવાતા તેઓ ઊંચાઇએથી નીચે પટકાયા હતા.જેના કારણે બંનેના શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેના લીધે બંનેના ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયા હતા.
કરૂણ ઘટના અંગે ખબર પડતા જ ત્યાં નજીકમાં કામ કરી રહેલા તેમના કેટલાક પરિચિતો તેમજ અન્ય સાથી કામદારો પણ દોડી આવ્યા હતા બને મૃતદેહ જોઈ પરિજનો આક્રન્દ કરવા લાગ્યા હતા.સ્થળ ઉપર હાજર ભટુ પાટીલ નામના પરિચિતે જણાવ્યું હતું કે મૃતકોમાં આકાશ ઉર્ફે બોર્સે (ઉ.વ.22 ) અને નિલેશ પાટીલ (ઉ.વ.25 ) છે.તેઓ મૂળ મહારાષ્ટ્રના અમલનેરના વતની હતા.અને ગણપતિની રજા બાદ દસેક દિવસ પહેલા જ સુરત ખાતે મજૂરી કામ અર્થે આવેલા હતા.
એટલુંજ નહીં આ બિલ્ડિંગમાં બે દિવસ પહેલા જ કામ ઉપર લાગ્યા હતા.જોકે તેમના અકાળે મોત અંગે વતનમાં ખબર પડતા ત્યાં પણ શોકનો માહોલ છવાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું.આ ઘટના અંગે જાણ કરવામાં આવતા પાંડેસરા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.પોલીસે સ્થળ પર તપાસ કરી હતી અને બંનેના મૃતદેહ પીએમ માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.