Surat : ઉકાઈ ડેમની સપાટીમાં આંશિક ઘટાડોઃ આઉટફ્લો ઘટીને એક લાખ ક્યુસેક
સુરત શહેર – જિલ્લામાં આજે સવારથી જ તમામે તમામ તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી દરમ્યાન ઉમરપાડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
સપ્તાહના પ્રારંભ સાથે ઉકાઈ ડેમની સપાટીમાં ઉત્તરોત્તર વધારાને પગલે વહીવટી તંત્ર દ્વારા ડેમની સપાટી જાળવા રાખવા માટે મથામણ કરવામાં આવી રહી હતી. અલબત્ત, ગઈકાલથી ડેમના તમામ ગેજ સ્ટેશનોમાં મેઘરાજાના વિરામને પગલે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. ગઈકાલે એક તબક્કે ઉકાઈ ડેમમાંથી 1.70 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું હતું જે આજે સવારે ઘટીને 99 હજાર ક્યુસેક પર પહોંચ્યું છે. સુરત શહેર – જિલ્લામાં આજે સવારથી મેઘરાજાના વિરામને પગલે લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
સપ્ટેમ્બર મહિનાની શરૂઆતથી જ ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલની લગોલગ પહોંચી ચુકી હતી ત્યારે છેલ્લા એક સપ્તાહથી ઉપરવાસમાં વરસાદને પગલે ડેમની સપાટી હવે રૂલ લેવલને પણ વટાવી ચુકી હતી. આ સ્થિતિમાં ડેમમાં પાણીની સતત આવકને પગલે સત્તાધીશો દ્વારા ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગઈકાલ સુધી તાપી નદીમાં 1.70 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યા બાદ આજે સવાર આ આંકડો ઘટીને એક લાખ ક્યુસેક પર પહોંચ્યો છે. ગઈકાલે મોડી રાતથી જ ઉકાઈ ડેમના ઉપરવાસમાં મેઘરાજાના વિરામ વચ્ચે હથનુર ડેમમાંથી પણ પાણીની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. હાલ હથનુર ડેમમાંથી ઉકાઈ ડેમમાં 58 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉકાઈ ડેમની સપાટી આજે બપોરે 341.12 ફુટ પર પહોંચી છે.
ફ્લડ વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર સુરત શહેર – જિલ્લામાં આજે સવારથી જ તમામે તમામ તાલુકાઓમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે, ગઈકાલે રાત્રે 12 વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી દરમ્યાન ઉમરપાડામાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.