Surat : પી.પી.સવાણી ગ્રુપ દ્વારા પિતાવિહોણી 300 દીકરીઓના સમુહલગ્ન યોજાશે
વિવાહ પાંચ ફેરાના, સંબંધ ભવોભવના, લાગણીના વાવેતર, સંવેદના એક દીકરીની, દીકરી દિલનો દીવો, પારેવડી, લાડકડી, પાનેતર, મહિયરની ચૂંદડી અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર પરિણય યાત્રામાં હવે ‘ દીકરી જગત જનની ‘ જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી કેમ કે બધા જ જાણે છે આ બધા શિર્ષક પીપી સવાણી દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે. અને એ રીતે પીપી સવાણીના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી હજારો દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ 4572 દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત થયેલા આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત અને બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી.પી.સવાણી ગ્રુપ દ્વારા દરવર્ષની જેમ આ વર્ષે પણ 300 દીકરીઓના લગ્ન આગામી તા.24 અને 25 ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે. બંને દિવસે 150-150 લગ્ન થશે આજ સમારોહમાં તા. ૨૫’ડીસેમ્બરના રોજ સવાણી પરિવારના બે દીકરા “સ્નેહ રાજુભાઈ સવાણી” અને “મોનાર્ક રમેશભાઈ સવાણી” પણ લગ્નગ્રંથિથી જોડાશે. સેવાના આ યજ્ઞ જેવા ઉદ્દાત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે પી.પી.સવાણી પરિવાર સાથે જાનવી લેબગ્રોન ગ્રુપના લખાણી પરિવાર જોડાયો છે.
“દીકરી જગત જનની” ના નામે આયોજિત આ કાર્યક્રમ અનેક રીતે વિશેષ બનવાનો છે. આજે યોજાયેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે અમે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઇ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પનો અનોખો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે. અંગદાન અંગે જાગૃતિ માટે અને અંગદાન સંકલ્પ અંગે અમે અગાઉથી જ સહમતી લઇ લીધી છે. સાથે જ આ લગ્ન પ્રસંગના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય એવા પરિવારના સભ્યો કરશે જેમના પરિવારમાંથી અંગદાન થયું છે અથવા અંગદાન મેળવ્યું છે. એક સાથે એક સ્થળે એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે એ એક નવો રેકોર્ડ બનશે અને આ એક વધુ સિદ્ધિ સુરતના નામે લખાશે. આ સાથે પિતાની છત્રછાયા ગુમાવનાર હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવનાર પી.પી.સવાણી પરિવાર એક નવું ક્રાંતિકારી પગલું લેવા જઈ રહ્યા છે. આ અંગે વિગતો આપતા પી.પી. સવાણી પરિવારના રમેશભાઈ અને રાજુભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, CFE-કોટા સાથે મળીને અનાથ, દિવ્યાંગ કે આર્થિક રીતે નબળા પરિવારના 1000 બાળકોને દત્તક લઈને એમને મેડિકલ, એન્જીનીયરીગ, સીએ જેવી ઉચ્ચ અભ્યાસના પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરાવાશે. આ કાર્યક્રમનું લોન્ચિંગ લગ્ન સમારોહ દરમિયાન થશે. એક સાથે આટલા બાળકોને દત્તક લઈને તૈયારી કરાવવાનું કાર્ય પણ ઐતિહાસિક પગલું છે. મહેશભાઈ સવાણીએ વધુમાં જણાવ્યું હતું કે, અમે કરિયાવર તો આપીએ જ છીએ, સાથે જ લગ્ન પછી પણ દીકરીની તમામ જવાબદારી પણ નિભાવીએ છીએ. ઉલ્લેખનીય છે કે પી.પી. સવાણી પરિવાર પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી દીકરીઓના લગ્ન જ કરાવે છે એવું નથી, પણ એવા પરિવારની શિક્ષણ, આરોગ્યની તમામ જવાબદારી નિભાવે છે. પી.પી. સવાણી પરિવાર સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે અનેકવિધ સામાજિક કાર્યો કરે છે એ સૌ જાણે છે.
મુખ્યમંત્રી સહિત કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓની હાજરી
આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા, કેન્દ્રીયમંત્રીશ્રી પુરષોત્તમભાઈ રૂપાલા સાહેબ, કેન્દ્રીયમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોષ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ, રાજ્ય સરકારના મંત્રીશ્રી ઋષિકેશ પટેલ, મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયા, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
લગ્ન સમારોહ પુ.પ્રમુખ સ્વામીને અર્પણ
આ વર્ષેનો સમગ્ર લગ્ન સમારોહ પરમ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મ શતાબ્દી પર્વને સાદર અર્પણ કરાયો છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પુણ્ય સ્મૃતિને આ 300 દીકરીઓ અને એમનો પરિવાર વંદન કરશે. સાથે જ આઝાદીના અમૃત મહોત્સવને પણ પીપી સવાણી પ્રેરિત સેવા સંગઠન દ્વારા યાદ કરાશે.
વિધવા બહેનોને હવે 7500નું વળતર મળશે
સેવા સંગઠન એ પી.પી.સવાણીના આંગણે પરણેલી દીકરી અને જમાઈઓએ શરુ કરેલું ગ્રુપ છે જેમાં હવે અનેક લોકો જોડાયા છે અને એક મિસ્ડ કૉલ કરીને જોડાઈ પણ શકે છે. સેવા સંગઠનમાં સભ્યના મૃત્યુ પછી વિધવા બેનને અત્યારસુધી 5000 રૂપિયા મહિને પેંશન આપવામાં આવે છે. એ પેંશન હવે 7500 રૂપિયાનું મળશે. સેવા સંગઠન પોતાના સભ્ય અને પરિવાર માટે વિધવા સહાય, મેડિકલ સહાય, શિક્ષણ સહાય, દીકરીના લગ્ન, વીમો, લોન આપવા જેવા અનેક કાર્યો કરે છે.
5000 હાથોમાં રૂડી મહેંદી મુકાશે
લગ્ન ઉત્સવમાં દરવર્ષની જેમ આ વર્ષે પણ મહેંદી મૂકવાનો કાર્યક્રમ ભવ્ય રીતે ઉજવાશે. તા:૨૨’ડીસેમ્બર ને ગુરુવારના રોજ સવારે 9.00 કલાકથી પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે મહેંદી રસમની શરૂઆત થશે. લગભગ 5000થી વધુ હાથોમાં મેહદી રચાશે. આ વખતે ગુજરાતના એક ડઝન ખ્યાતનામ ગાયક કલાકારો સાથે સાથે સંગીત અને રાસ-ગરબાની રમઝટનો કાર્યક્રમ ગત 18મી તારીખે રવિવારે ઉજવાઈ ગયો.
ધર્મ મુજબ લગ્નવિધિ થશે : એક દિવ્યાંગ દીકરીના પણ લગ્ન
એક જ મંડપમાં લગ્ન કરનારી આ દીકરીઓની પસંદગી માટે પણ લાંબી કવાયત હાથ ધરીને ચોક્કસ નિયમો મુજબ પસંદગી કરવામાં આવી છે. પી પી સવાણી ગ્રુપ દ્વારા યોજાતા સમૂહ લગ્નમાં દરેક ધર્મની દીકરીઓ જોડાય છે અને એમના ધર્મની રિતી મુજબ જ લગ્ન કરાવવામાં આવે છે. હિંદુ, મુસ્લિમ, શીખ, ઇસાઈની દરેકના ધર્મ મુજબ થશે. આ સમારોહમાં એક દિવ્યાંગ(મૂકબધિર) દીકરી પણ પ્રભુતામાં પગલા પાડશે. લગ્નોત્સવમાં મહારાષ્ટ્રીયન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિત દેશભરમાંથી દીકરીઓ જોડાતા આ અવસર વિવિધતામાં એકતાની સંસ્કૃતિને ઉજાગર કરી રહ્યો છે.
11 દીકરીઓનું કન્યાદાન જીવાણી પરિવાર કરશે
300 દીકરીના આ સમૂહલગ્નમાં ગારિયાધારની 11 દીકરીઓની સ્વૈચ્છિક તમામ જવાબદારીઓ અને ખર્ચ જલ્પા ડાયમંડના વલ્લભભાઈ જીવાણી દ્વારા કરાશે. આ તમામ દીકરીઓનું કન્યાદાન પણ જીવાણી પરિવાર દ્વારા કરવામાં આવશે.