પુણા પોલીસ ફરી વખત વિવાદમાં : એક યુવકને ફ્રેક્ચર અન્ય યુવાનના કાનનો પડદો ફાડી નાંખ્યો

Pune Police again in controversy: Fractured a youth

Pune Police again in controversy: Fractured a youth

શહેરના (Surat) પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા અને મારવાડી સમાજના ત્રણ યુવાનો ગતરોજ મોડી રાત્રે પુણા કુંભારિયા રોડ પર આવેલ ઇન્ટરસિટી હોલની બહાર ઉભા હતા ત્યારે પોલીસ દ્વારા તેને ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ તેના પરિવારજનો અને સમાજના લોકો દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ આ ત્રણેય યુવકોને જાહેરમાં માર માર્યા બાદ પુણા પોલીસ મથકમાં લાવી ત્યાં પણ તેઓને ઢોર માર મારી એકનો હાથ ફેક્ચર કર્યો હોવાનું તથા બીજાનો કાનનો પડદો ફાડી નાખ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. જેને કારણે પુણા પોલીસ ફરી એકવાર વિવાદમાં સપડાઈ છે.

શહેરના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં રહેતા 27 વર્ષીય મનીષભાઈ મનોજભાઈ જાજુ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગતરોજ રાત્રે 9 થી 10 વાગ્યાના અરસામાં મનીષભાઈ જાજુ તથા વ્રજભૂમિ એપાર્ટમેન્ટમાં જ રહેતા 23 વર્ષીય કૌશલભાઈ જાજુ અને 21 વર્ષીય દેવેન્દ્રસિંહ રાજપુત પુણા કુંભારિયા રોડ પર ઇન્ટરસિટી હોલની બહાર ઉભા હતા. આ દરમિયાન પુણા પોલીસ મથકની પીસીઆર વાન ત્યાં આવી હતી અને તેઓએ આ ત્રણેયને દંડા વડે માર માર્યો હતો. જાહેરમાં માર્યા બાદ ત્રણેયને પીસીઆર વાનમાં બેસાડી પોલીસ પુણા પોલીસ મથકમાં લાવી હોવાનો આક્ષેપ ત્રણેય દ્વારા કરવામાં આવ્યો છે. એટલું જ નહીં પરંતુ પુણા પોલીસ મથકમાં લાવ્યા બાદ પણ તેઓને લાકડાના ફટકાથી અને લોખંડની રેલિંગ વડે પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. વધુમાં આ ત્રણેય યુવકોને માર મારતા આજે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં મારવાડી સમાજના લોકો પુણા પોલીસ મથકે પહોંચ્યા હતા.

એકનો કાનનો પડદો ફાટી ગયો તો બીજાનો હાથ ફેક્ચર

આ ત્રણેયને માર મારવાના કિસ્સામાં પરિવારજનોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે પોલીસે એટલી હદે માર માર્યો હતો કે કોલેજમાં અભ્યાસ કરતા દેવેન્દ્રસિંહ રાજપૂતનો કાનનો પડદો ફાડી નાખ્યો હતો. આ ઉપરાંત મનીષ જાજુનો હાથ ફેક્ચર કરી દીધો હતો. કૌશલ જાજુને ગુપ્તાંગના ભાગમાં માર મારવામાં આવ્યો છે. જોકે પોલીસે આ ત્રણેયને શા માટે માર માર્યો તે હજુ સુધી જાણી શકાયું નથી. હાલ તો મારવાડી સમાજના લોકો દ્વારા મોટી સંખ્યામાં પુણા પોલીસ મથકનો ઘેરાવો કરવામાં આવ્યો છે.

છથી સાત પોલીસ કર્મીઓ સામે મારામારીનો ગુનો નોંધાયો

ત્રણ યુવકોને માર મારવાના કેસમાં વહેલી સવારથી જ મારવાડી સમાજના 150થી વધુ લોકોએ પુણા પોલીસ મથકનો ઘેરાવો કર્યો હતો. ત્રણેય યુવકોને માર મારનાર સામે પોલીસ ફરિયાદ નોંધવા માટે માંગ કરી હતી. જેથી આખરે પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા છથી સાત પોલીસ કર્મીઓ સામે આઇપીસી કલમ 323, 324 અને 504 મુજબ મારામારીનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસના મારનો ભોગ બનનાર ત્રણ યુવકો પૈકી એકપણ વ્યક્તિ માર મારનાર પોલીસ કર્મીનું નામ ન જાણતો હોવાથી તમામ અજાણ્યા પોલીસના માણસો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Please follow and like us: