સારોલી પોલીસ મથકમાં ચક્કર આવતાં દિવાલ સાથે અથડાતાં યુવકનું મોત : કસ્ટોડિયલ ડેથનો આરોપ
શહેરના(Surat) સારોલી પોલીસ મથકે ગુરૂવારે રાત્રે એક યુવકનું મોત નિપજ્યાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. સારોલી કેનાલ રોડ પર બાઈક પર પસાર થઈ રહેલા યુવકને સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવ્યો હતો. જો કે, પોલીસ સ્ટેશનમાં ચપ્પલ ઉતારતી વખતે યુવકને ચક્કર આવ્યા હોવાને કારણે દિવાલ સાથે અથડાતાં તેનું મોત નિપજ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. અલબત્ત, યુવકના પરિવારજનો દ્વારા સમગ્ર પ્રકરણમાં નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.
અમદાવાદમાં તથ્ય કાંડને પગલે સુરત સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે ગુરૂવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ સારોલી નહેર ખાતે સ્થાનિક પોલીસની એક ટીમ દ્વારા તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન બાઈક પર પસાર થઈ રહેલા ત્રણ યુવકોને અટકાવવામાં આવતાં એક યુવક ત્યાંથી નાસી છૂટ્યો હતો. જ્યારે બાઈક પર સવાર 32 વર્ષીય સંદિપ ભરત વેકરિયા અને તેના મિત્ર સંજયની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. મોટર સાયકલની નંબર પ્લેટ ફેન્સી હોવાની સાથે ત્રણ સવારી હોવાને કારણે પોલીસ દ્વારા આ બંને યુવકોને અટકાયત કરીને પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.
જો કે, પોલીસ મથકે પહોંચ્યા બાદ ચપ્પલ ઉતારવા જતાં સંદિપ વેકરિયાને ચક્કર આવ્યા હતા અને તે દિવાલ સાથે અફડાયો હતો. અચાનક દિવાલ સાથે તેનું માથું અથડાતાં તે ઘટના સ્થળે જ બેભાન થઈ જતાં પોલીસ દ્વારા તાત્કાલિક સંદિપને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે સંદિપને મૃત જાહેર કરતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો.
મૃતક સંદિપ કાપડ દલાલનું કામ કરતો હતો
સંદિપ વેકરિયા ગુરૂવારે રાત્રે માર્કેટમાં કાપદ દલાલીનું કામ પતાવીને પોતાના ઘર તરફ રવાના થઈ રહ્યો હતો. મોટા વરાછા ખાતે અમૃત રેસિડેન્સીમાં રહેતો સંદિપ પોતાની બાઈક પર સંજય અને અન્ય એક મિત્રને બેસાડીને પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન જ તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. સંદિપના અચાનક મોતને પગલે તેના પરિવારજનોમાં દુઃખનો પહાડ તુટી પડ્યો છે.
પરિવારજનો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ
મોટા વરાછા ખાતે રહેતા અને કાપડ દલાલીનું કામ કરતાં 32 વર્ષીય સંદિપ વેકરિયાના મોત બાદ પરિવારજનો સહિત સમાજમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. જો કે, આ સમગ્ર ઘટનામાં પરિવારજનો દ્વારા કંઈક અજુગતું થયું હોવાની આશંકા વ્યક્ત કરવા સાથે સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસની માંગ કરવાની સાથે સ્મીમેર હોસ્પિટલ ખાતે હોબાળો કરવામાં આવ્યો હતો.
વીડિયોગ્રાફી સાથે ફોરેન્સિક પીએમ કરાયું
સારોલી પોલીસ મથકમાં સંદિપ વેકરિયાના મોતને પગલે પોલીસ કમિશનર અજયકુમાર તોમર સહિત ઉચ્ચાધિકારીઓનો કાફલો પોલીસ મથકે દોડી ગયો હતો. બીજી તરફ પીઆઈ એસ.એ. દેસાઈએ આ સંદર્ભે વધુમાં જણાવ્યું હતું કે, મૃતક સંદિપ વેકરિયાનું વીડિયોગ્રાફી સાથે ફોરેન્સિક પી.એમ.ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.