Entertainment : શું આવશે “પઠાણ” પાર્ટ 2 ? ડિરેક્ટર અને કિંગખાને કહી આ વાત
બોલિવૂડના બાદશાહ(King) શાહરૂખ ખાન ભલે ચાર વર્ષથી વધુ સમયથી ફિલ્મી(Film) પડદાથી દૂર હતો. જોકે, હવે તેણે ‘પઠાણ’ દ્વારા ધમાકેદાર કમબેક કર્યું છે. રિલીઝના પહેલા જ દિવસથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર કલેક્શન કરી રહી છે. આ ફિલ્મ પછી એવી ચર્ચા છે કે આવનારા સમયમાં ‘પઠાણ 2’ પણ જોવા મળશે. હવે આ અંગે ફિલ્મના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે વાત કરી છે.શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ, જ્હોન અબ્રાહમ અને સિદ્ધાર્થ આનંદ સોમવારે ફિલ્મની સફળતા બાદ મીડિયા સાથે વાતચીત કરવા આગળ આવ્યા હતા. આ દરમિયાન સિદ્ધાર્થ આનંદે ‘પઠાણ 2’ વિશે પણ વાત કરી હતી.
સિદ્ધાર્થ આનંદે આ વાત કહી
આ દરમિયાન સિદ્ધાર્થ આનંદને પૂછવામાં આવ્યું કે આગળ શું થવાનું છે? તેના જવાબમાં સિદ્ધાર્થ કહે છે, “જો પબ્લિક ઇચ્છે તો પઠાણ 2 આવી શકે છે.” બીજી તરફ, ‘પઠાણ 2’ વિશે શાહરૂખ ખાને કહ્યું, “પઠાણની સફળતા બાદ મારો પરિવાર ખૂબ જ ખુશ છે. જો આ ફિલ્મની સિક્વલ બનાવવામાં આવશે તો હું આના કરતાં વધુ મહેનત કરવાનો પ્રયત્ન કરીશ. અને હા, હું પઠાણ 2 માં વધુ વાળ ઉગાડીશ.” જોકે, સિદ્ધાર્થ આનંદ અને શાહરૂખ ખાનની પ્રતિક્રિયા જોઈને લાગે છે કે આવનારા વર્ષોમાં દર્શકોને પઠાણની સિક્વલની ભેટ મળી શકે છે.
ફિલ્મના આ સીન પરથી પણ હિંટ મળી હતી
‘પઠાણ 2’નો ઈશારો ફિલ્મના છેલ્લા સીનમાં પણ જોવા મળે છે, જ્યાં કર્નલ રુદ્રની ભૂમિકામાં દેખાતા આશુતોષ રાણા પૂર્વ અધિકારીઓને સામેલ કરીને એક મજબૂત ટીમ બનાવવાની જવાબદારી શાહરૂખ ખાનને સોંપે છે, જે પણ લાગે છે કે પઠાણની વાર્તા માત્ર એક ભાગમાં સમાપ્ત થવાની નથી. ‘પઠાણ’ યશ રાજ ફિલ્મ્સના સ્પાય યુનિવર્સનો એક ભાગ છે.