વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીને પરીક્ષા ફીમાંથી જ થઇ 30 કરોડની આવક : RTI માં ખુલાસો
દર વર્ષે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) પરીક્ષા અને પરિણામને લઈને વિવાદોમાં ફસાયેલી રહે છે, યુનિવર્સિટી એક જ પરીક્ષામાંથી કરોડોની કમાણી કરે છે. વર્ષ 2021-22માં VNSGUએ પરીક્ષા ફી દ્વારા 30 કરોડની કમાણી કરી છે. તે જ સમયે, વર્ષ 2022-23માં પુનઃમૂલ્યાંકન ફીના કારણે યુનિવર્સિટીના તિજોરીમાં 65 લાખ રૂપિયા ભરાયા છે.
ગુજરાતની બીજી સૌથી મોટી યુનિવર્સિટી VNSGU, B.Com અને LLBના પરિણામોને લઈને ગયા મહિને ભારે હોબાળો જોવા મળ્યો હતો. વિદ્યાર્થી સંગઠનોએ પુન: મૂલ્યાંકન અને પરિણામ જાહેર કરવાની માંગ કરી હતી. આ પહેલા પણ ઘણા કોર્સના પરિણામને લઈને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેમ્પસમાં પ્રદર્શન કરી ચુક્યા છે. દર વખતે પ્રશ્નપત્રમાં ગરબડના કારણે પણ વિદ્યાર્થીઓ મોરચો લઈને યુનિવર્સિટીના વહીવટી ભવન પર પહોંચે છે. દર વખતે પરીક્ષા અને પરિણામમાં વિદ્યાર્થીને ભારે કિંમત ચૂકવવી પડે છે. પરંતુ આમાંથી યુનિવર્સિટીને કરોડોની આવક થાય છે.
યુનિવર્સિટી દ્વારા પરીક્ષામાંથી લેવામાં આવતી ફી અંગે એક વિદ્યાર્થીએ આરટીઆઈ દાખલ કરી હતી. આમાં મળેલો જવાબ તાજેતરમાં તમામ કોલેજોમાં ચર્ચાનો વિષય બન્યો છે. યુનિવર્સિટીને વર્ષ 2021-22માં પરીક્ષા ફીમાંથી 30 કરોડ મળ્યા છે. હજારો વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ છે, આવા વિદ્યાર્થીઓ પુન: મૂલ્યાંકન માટે અરજી કરે છે. દરેક વિષય માટે અલગ-અલગ ફી ભરવાની રહેશે. RTIમાં ખુલાસો થયો છે કે યુનિવર્સિટીને વર્ષ 2022-23માં રિ-વેલ્યુએશનમાંથી 65 લાખ રૂપિયા મળ્યા હતા.