મેટાસ એડવાન્ટિસ્ટ શાળાએ સાત વિદ્યાર્થીનીઓને એલસી આપતાં હોબાળો

0

શહેરના અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવાન્ટિસ્ટ શાળામાં ગઈકાલે સવારે અભ્યાસ કરતી સાત વિદ્યાર્થીનીઓને લિવિંગ સર્ટિફિકેટ (એલ.સી.) આપવામાં આવતાં ભારે વિરોધ ફાટી નીકળ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી વિવાદનું કેન્દ્ર બનેલ મેટાસ શાળાના વિવાદમાં હવે વિદ્યાર્થીનીઓને શાળામાંથી જ બરતરફ કરવામાં આવતાં વાલીઓમાં પણ ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. બીજી તરફ શાળાના સંચાલકો દ્વારા સંભવિત વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખીને શાળા પરિસરમાં પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

અઠવા લાઈન્સ ખાતે આવેલ મેટાસ એડવાન્ટિસ્ટ શાળાના સંચાલકો દ્વારા ડોનેશનની ઉઘરાણીથી માંડીને ફી ન ચુકવવાના કિસ્સાઓમાં અનેક વખત વિવાદનું કેન્દ્ર બની છે. ગત રોજ આ શાળાની માન્યતા રદ્દ કરવા માટે વાલીઓ સહિત એબીવીપી દ્વારા પણ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરવામાં આવી હતી. ડીઈઓ સમક્ષ રજુઆત કરવા પહોંચેલા વાલીઓએ જણાવ્યું હતું કે, જો શાળાના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની સાથે શાળાની માન્યતા રદ્દ નહીં કરવામાં આવે તો આંદોલન કરવામાં આવશે. શાળાના સંચાલકો દ્વારા સાતમાં ધોરણમાં અભ્યાસ કરવા માટે પહોંચેલ સાત વિદ્યાર્થીનીઓને જ એલ.સી. આપી દેતાં વિવાદ વધુ વકર્યો હતો.

આ ઘટના અંગે શાળાની વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે,  તેઓ રાબેતા મુજબ શાળાએ પહોંચ્યા હતા. જ્યાં અભ્યાસ કરાવવાને બદલે તેઓને પ્રિન્સીપાલની ઓફિસમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી ફી કાઉન્ટર પર આ સાતેય વિદ્યાર્થીનીઓને એલ.સી. આપી દેવામાં આવ્યું હતું. આ અંગે વાલીઓને જાણ થતાં ભારે હોબાળો થવા પામ્યો હતો. જો કે, વાલીઓના વિરોધની આશંકાને પગલે શાળા સંચાલકો દ્વારા અગાઉથી જ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો.

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *