આંધ્રપ્રદેશમાં સામસામે ભટકાઈ બે ટ્રેન : ડ્રાઇવરની એક નાની ભૂલ અને થઇ ગયો મોટો અકસ્માત
આંધ્રપ્રદેશના(Andhrapradesh) વિઝિયાનગરમમાં રવિવારે મોડી સાંજે થયેલા ટ્રેન અકસ્માતમાં 11 મુસાફરોના મોત થયા છે અને લગભગ 50 મુસાફરો ઘાયલ હોવાનું કહેવાય છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે અને તેઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાવડા-ચેન્નઈ લાઇન પર વિશાખાપટ્ટનમ-રાયગડા પેસેન્જર સ્પેશિયલ ટ્રેને પાછળથી વિશાખાપટ્ટનમ-પલાસા પેસેન્જર એક્સપ્રેસને ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. આ અથડામણ કાંટાકપલ્લે અને અલામંદા રેલવે સ્ટેશન વચ્ચે થઈ હતી, જેના કારણે બંને ટ્રેનોને ભારે નુકસાન થયું હતું. ઓછામાં ઓછા પાંચ કોચ પાટા પરથી ઉતરી ગયા હતા.
#WATCH | Andhra Pradesh Train accident: Biswajit Sahu, CPRO, East Coast Railway, says “So far, 11 people have died and 50 others are injured. We are presently focusing on the track restoration work. The rescue operation is over now…We have arranged buses and trains for the… pic.twitter.com/cKrXPMRiT5
— ANI (@ANI) October 30, 2023
ઈસ્ટ કોસ્ટ રેલ્વેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ જણાવ્યું હતું કે ટ્રેકના પુનઃસ્થાપનનું કામ કરવામાં આવી રહ્યું છે. ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધીમાં લોકોને બચાવવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી. 11 લોકોના મોત થયા છે, લગભગ 50 લોકો ઘાયલ થયા છે. રેલવે ટ્રેકના રિસ્ટોરેશનનું કામ આજે સાંજે 4 વાગ્યા સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે.
પ્રારંભિક અહેવાલો સૂચવે છે કે અથડામણ માનવ ભૂલનું પરિણામ હતું, રાયગડા જતી ટ્રેન સિગ્નલને ઓળંગી ગઈ હતી. અંગ્રેજી દૈનિક ઈન્ડિયન એક્સપ્રેસે રેલ્વે મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે પાછળથી અથડાઈ ગયેલી ટ્રેનના ડ્રાઈવરે કથિત રીતે સિગ્નલ ચૂકી ગયો હતો અને રેડ સિગ્નલ પાર કર્યો હતો. જેના કારણે તે ધીમી ગતિએ જતી લોકલ ટ્રેન સાથે અથડાઈ હતી.
બંને ટ્રેનના ડબ્બા પાટા પરથી ઉતરી ગયા
અથડામણને કારણે ટ્રેનના ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઘટના સ્થળેથી બહાર આવેલી તસ્વીરોમાં જોઈ શકાય છે કે જોરદાર ટક્કરથી ટ્રેનોને મોટું નુકસાન થયું છે. એક ડબ્બો સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત હોવાનું કહેવાય છે. દુર્ઘટના સમયે ટ્રેનમાં 200થી વધુ મુસાફરો હતા. દુર્ઘટના બાદ આસપાસના લોકો આવ્યા અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમ રાહત અને બચાવ માટે પહોંચી. વોલ્ટેર ડિવિઝન રેલ્વે મેનેજર સૌરભ પ્રસાદે પરિસ્થિતિની ગંભીરતાને સ્વીકારતા કહ્યું કે, પાછળની ટ્રેન સિગ્નલને ઓળંગી ગઈ હતી, જેના કારણે ટક્કર થઈ હતી અને આગળની ટ્રેનના ત્રણ ડબ્બા અને પાછળની ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
એનડીઆરએફ અને એસડીઆરએફનું રેસ્ક્યુ ઓપરેશન
બચાવ કાર્યમાં મદદ માટે NDRF અને SDRFને સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વેએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે અકસ્માત રાહત ટ્રેનો અને બચાવ સાધનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા છે. અસરગ્રસ્ત મુસાફરો અને તેમના પરિવારોને તાત્કાલિક મદદ અને માહિતી મેળવવા માટે હેલ્પલાઇન નંબરો પણ જારી કરવામાં આવ્યા છે. રેલવે અધિકારીઓએ અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા અને આવી ઘટનાઓને રોકવા માટે તપાસ શરૂ કરી છે. ઈસ્ટ કોસ્ટ રેલ્વેના સીપીઆરઓ વિશ્વજીત સાહુએ જણાવ્યું કે રેલ્વે ટ્રેકનું આંશિક સમારકામ કરવામાં આવ્યું છે.
મૃતક અને ઘાયલ મુસાફરોના પરિવારજનો માટે મદદની જાહેરાત
ઘાયલ મુસાફરોની વિશાખાપટ્ટનમ અને વિજિયાનગરમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ ઘટના પર દુખ વ્યક્ત કરતા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પીડિતોને મદદની જાહેરાત કરી છે. તેમણે મૃતકોના પરિવારજનો માટે રૂ. 10 લાખ, ગંભીર રીતે ઘાયલ મુસાફરોને રૂ. 2 લાખ અને નાના ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની રાહત રકમની જાહેરાત કરી હતી.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ અધિકારીઓને રાજ્ય સરકાર વતી મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયા અને ઘાયલોને 2 લાખ રૂપિયાનું વળતર આપવાનો નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાન મોદીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયા પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી આપવાની પણ જાહેરાત કરી છે.