રેલ્વે મંત્રીએ વંદે-ભારત સ્લીપર વર્ઝન કોન્સેપ્ટની તસવીરો શેર કરી: વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાં પાટા પર દોડતી જોવા મળશે
વંદે ભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન આવતા વર્ષે માર્ચ સુધીમાં દેશમાં પાટા પર દોડતી જોવા મળશે. કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 ઓક્ટોબરે રાત્રે 9:44 કલાકે આ ટ્રેનના કોન્સેપ્ટની 7 તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. કેપ્શનમાં પણ લખ્યું – વંદે ભારતનું સ્લીપર વર્ઝન ટૂંક સમયમાં આવી રહ્યું છે, 2024ની શરૂઆતમાં.
વર્લ્ડ ક્લાસ ફીચર્સવાળા AC-2 અને AC-3 ટાયર કોચમાં છતની લાઇટિંગ અને બર્થમાં ચઢવા માટે 5-સ્ટેપની સીડી પણ હશે. આવતા વર્ષે 10 વંદે ભારત સ્લીપર ટ્રેન દોડાવવામાં આવે તેવી શક્યતા છે.
વંદે ભારત ના સ્લીપર વર્ઝનની તસવીરો…
દેશમાં ચેર કારની સુવિધા સાથે વંદે ભારત ચાલી રહી છે. રેલવે હવે રાજધાની એક્સપ્રેસના રૂટ પર વંદે ભારત ટ્રેન ચલાવવાની યોજના બનાવી રહી છે. આવી સ્થિતિમાં મુસાફરોને રાત્રે આરામ આપવા માટે સ્લીપર કોચ આપવા જરૂરી છે.
ચેન્નાઈ સ્થિત ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF)ના જનરલ મેનેજર BG માલ્યાએ શનિવારે, 16 સપ્ટેમ્બરે કહ્યું હતું કે વંદેનું સ્લીપર વર્ઝન આ નાણાકીય વર્ષ એટલે કે 2023-24 દરમિયાન લોન્ચ કરવામાં આવશે. તેમજ વંદે મેટ્રો પણ આ નાણાકીય વર્ષમાં લોન્ચ થઈ શકે છે.
માલ્યાએ કહ્યું કે સ્લીપર વંદે ભારત ટ્રેન હાલમાં બની રહી છે અને તે માર્ચ 2024માં લોન્ચ કરવામાં આવશે. આ સાથે વંદે મેટ્રોનું નિર્માણ પણ ચાલી રહ્યું છે. 12 કોચની આ ટ્રેનને જાન્યુઆરીથી ટૂંકા રૂટ પર દોડાવી શકાશે.
વંદે ભારત નોન-એસી ટ્રેન ઓક્ટોબરમાં શરૂ થશે
માલ્યાએ કહ્યું કે વંદે ભારતનું નોન-એસી ટ્રેન વર્ઝન પણ લોન્ચ કરવાની યોજના છે. તેને આ વર્ષે 31 ઓક્ટોબર પહેલા લોન્ચ કરવામાં આવશે. આ એક નોન-એસી પુશ-પુલ ટ્રેન હશે, જેમાં 22 કોચ અને બંને બાજુ એક લોકોમોટિવ હશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક હશે.
સ્લીપર વંદે ભારત એક કન્સોર્ટિયમ એટલે કે બે કંપનીઓ એકસાથે બનાવી રહી છે. આમાં રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL) અને રશિયાનું TMH ગ્રુપ સામેલ છે. આ કન્સોર્ટિયમે 200માંથી 120 સ્લીપર વંદે ભારત ચલાવવા માટે સૌથી ઓછી બોલી લગાવી હતી. બાકીની 80 ટ્રેનો ટીટાગઢ વેગન અને ભેલના કન્સોર્ટિયમ દ્વારા સપ્લાય કરવામાં આવશે.
આરવીએનએલના જીએમ (મિકેનિકલ) આલોક કુમાર મિશ્રાએ ઓગસ્ટમાં કહ્યું હતું કે વંદે ભારત સ્લીપર ટ્રેનની સ્પીડ 160 કિમી પ્રતિ કલાક હશે. તેમાં 11 AC3, ચાર AC2 અને એક AC1 કોચ સહિત 16 કોચ હશે. તેમણે કહ્યું કે કોચની સંખ્યા 20 કે 24 સુધી વધારી શકાય છે.
પહેલી વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ શરૂ કરવામાં આવી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટ 2018ના રોજ લાલ કિલ્લા પરથી તેમના ભાષણમાં 75 વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. જો કે, પ્રથમ વંદે ભારત ટ્રેન 15 ફેબ્રુઆરી 2019ના રોજ દોડવા લાગી હતી. અત્યાર સુધીમાં 25 વંદે ભારત ટ્રેન દોડાવવામાં આવી છે.