સુરતના અઠવા અને અડાજણ વિસ્તારના આ બે ગાર્ડન 31 ડિસેમ્બર સુધી રહેશે બંધ
સુરતના (Surat) લોકો શિયાળા દરમિયાન તેમના સ્વાસ્થ્યને (Health) જાળવવા માટે શહેરના બગીચાઓનો(Garden) મહત્તમ ઉપયોગ કરે છે. પરંતુ શહેરના બે બગીચા પીપીપી મોડલ પર વિકસાવવાના છે, તેથી મ્યુનિસિપલ વહીવટીતંત્ર દ્વારા શહેરના અડાજણ અને અઠવા ઝોનના બે બગીચા 31 ડિસેમ્બર 2023 સુધી જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બંને બગીચામાં જાળવણીની કામગીરી શરૂ કરવામાં આવનાર હોવાથી આ બંને બગીચામાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
વહેલી સવારથી લોકો કસરત કરવા આવે છે
સુરત મહાનગર પાલિકાના રાંદેર ઝોનના જોગાણી નગર વિસ્તારમાં આવેલ જ્યોતિન્દ્ર દવે ગાર્ડન શિયાળા ઉપરાંત અન્ય ઋતુઓમાં પણ આ વિસ્તારના લોકોનું મનપસંદ સ્થળ છે. શિયાળા દરમિયાન આ વિસ્તારના મોટી સંખ્યામાં લોકો વહેલી સવારથી બગીચામાં મોર્નિંગ વોક અને કસરત કરવા આવે છે. એ જ રીતે અઠવા ઝોનમાં આવેલા રવિશંકર મહારાજ ઉદ્યાનમાં પણ મોટી સંખ્યામાં લોકો આવે છે. હાલમાં શિયાળાએ દસ્તક આપી છે. આ બે બગીચા ઉપરાંત પાલિકાના અન્ય પાર્કમાં પણ મોટી સંખ્યામાં લોકો કસરત કરવા જાય છે.
પીપીપી મોડલ પર બગીચા વિકસાવવામાં આવશે
જોકે, પીપીપી (પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ) ધોરણે બગીચાઓ આપીને પાલિકાનું આર્થિક બોજ ઘટાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આ પ્રયાસમાં પાલિકાએ અઠવા ઝોન વિસ્તારમાં રવિશંકર મહારાજ ગાર્ડન અને રાંદેર ઝોનના અડાજણ વિસ્તારમાં જ્યોતિન્દ્ર દવે ગાર્ડનને પીપીપી પર વિકસાવવાનું નક્કી કર્યું છે. આ બગીચાને વિકસાવવાનું કામ 18 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર, 2023 સુધી ચાલવાનો અંદાજ છે.
સુરક્ષા જાળવવાનો નિર્ણય
આ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ ન થાય તે માટે આવતીકાલે 18 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2023 સુધી આ બંને બગીચાઓમાં જાહેર પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ સમયગાળા દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે જાહેર નોટિસ બહાર પાડવામાં આવી છે અને આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તેથી આ પાર્કમાં કાયમી મુલાકાતીઓએ અન્ય પાર્કમાં જવું પડશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે.