કામદારના શરીરમાં ઘુસેલા 3.5 ફૂટના લોખંડના સળિયાને બહાર કાઢવા પાંચ કલાક સુધી ચાલી સર્જરી
જહાંગીરપુરા ખાતે નવનિર્માણ થઈ રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરી રહેલા શ્રમિકના શરીરમાં(Body) ગરદનના ભાગેથી લોખંડનો સળિયો શરીરમાં ઘુસી ગયો હતો. તેની કાપોદ્રાની પી. પી. માણિયા હોસ્પિટલમાં પાંચ કલાક સુધી સર્જરી ચાલી હતી. સર્જરી બાદ મજૂરના શરીરમાંથી લાંબો 3.5 ફૂટનો લોખંડનો સળિયો બહાર કાઢી તબીબો દ્વારા સફળ સર્જરી કરાઈ હતી. હાલ તેની સારવાર ચાલી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે.
જહાંગીરપુરા વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બાંધકામ સ્થળ પર રફીક સોમવારે કામ કરી રહ્યો હતો. ત્રીજા માળેથી પડેલો લોખંડનો સળિયો ગરદનના ભાગેથી શરીરની અંદર ઘૂસી ગયો હતો. તેને સારવાર માટે સૌ પ્રથમ નવી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા બાદ વધુ સારવાર માટે કાપોદ્રા ખાતેની પી. પી. માણિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલના તબીબો સહિતના સ્ટાફ દ્વારા પાંચ કલાકની ભારે જહેમતે દર્દીની સફળ સર્જરી કરવામાં આવી હતી.પી. પી. માણિયા હોસ્પિટલના જનરલ સર્જન ડો.ગગનભાઈ સાબુ, કાર્ડિયોથોરિસેસ સર્જન ડો.રવિ સાગર પટેલ, એનેસ્થેટિસ ડો.ધ્રુવીન લીંબાડ, ડો.સંકેત કરકર અને ડો.મિત્તલ કોઠારી તથા ડો.હાર્દિક દેસાઈ સહિતના સ્ટાફ દ્વારા સફળ સર્જરી કરવામાં આવી હતા.
સૌપ્રથમ દર્દીનું સિટીસ્કેન કર્યા બાદ તે રીપોર્ટના આધારે સળિયાને કઈ રીતે બહાર કાઢવામાં આવે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. તબીબો દ્વારા પેટના ભાગેથી ચીરો પાડીને સળિયાએ શરીરના કયા ભાગોમાં ઇજા કરી તેની તપાસ શરૂ કરવામાં આવી હતી. દરમિયાન શરીરના ફેફસાના ભાગે ઉપરાંત ફેફસા અને આંતરડાની વચ્ચે આવેલા ડાયાફાર્મના ભાગે ગંભીર ઇજા થઇ હોવાનું બહાર આવ્યું હતું. ડૉક્ટરની ટિમ દ્વારા તેની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.
દર્દીને હોસ્પિટલમાં લાવતી વખતે તેના શરીરમાં 3.5 ફૂટનો લોખંડનો સળિયો ઘુસેલી હાલતમાં હતો. તબીબના જણાવ્યા મુજબ જયારે ઉપરના ભાગેથી સળિયો કિડનીની મુખ્ય નળી સુધી પહોંચ્યો હતો. તે દરમિયાન સળિયો હદય અને લીવરને અડીને પસાર થઈ જતા ત્યાંની નાની નળીઓમાં ઇજા થઇ હતી. જેની પણ સર્જરી વખતે સારવાર કરીને શરીરની અંદરથી 3.5 ફૂટનો સળિયો બહાર કાઢવામાં આવ્યો હતો. તબીબો દ્વારા રફીકની રાત્રીના 10 વાગ્યાથી વહેલી સવારના 3 વાગ્યા સુધી 5 કલાક સર્જરી કરવામાં આવી હતી. જેમાં 5 યુનિટ લોહી દર્દીને આપવામાં આવ્યું હતું. હાલ રફીકને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે.