“સફાઈ મિત્ર સુરક્ષા” વિષય પર આયોજિત સેમિનારમાં દેશમાંથી એકમાત્ર સુરતના મેયરે આપ્યું પ્રેઝન્ટેશન
કેન્દ્રીય(Central) બજેટમાં શહેરી વિકાસ(Development) ક્ષેત્રે કરવામાં આવેલ મહત્વપૂર્ણ જાહેરાતો અન્વયે કેન્દ્રીય ગૃહ અને શહેરી વિકાસ બાબતોના મંત્રાલય, પર્યાવરણ-વન અને આબોહવા પરિવહન મંત્રાલય તેમજ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના સહનેતૃત્વમાં ‘ભારત મિશન અર્બન 2’ના ભાગરૂપે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શહેરી આયોજન, વિકાસ અને સ્વચ્છતા વિષય પર પોસ્ટ બજેટ વેબિનારને સંબોધિત કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમની વિવિધ ઉપ વિષયો પર ચાર સેશનમાં વેસ્ટ ટૂ વેલ્થ, સફાઇ મિત્ર સુરક્ષા, અર્બન પ્લાનિંગ રીફર્મ્સ એન્ડ એક્શન અને અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ પર વિવિધ રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજના પ્રતિનિધિઓ તથા અન્ય તજજ્ઞોના સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું. સફાઇ મિત્ર સુરક્ષા વિષય પર આયોજિત સેમિનારમાં સુરત મનપાના મેયર હેમાલી બોઘાવાલાને પ્રેઝન્ટેશન માટે કેન્દ્રીય ગૃહ અને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વર્ચ્યુઅલ આમંત્રણ મળ્યું હતું.
ગટરસફાઈમાં સુરત કોર્પોરેશનની કામગીરી :
સફાઇ મિત્ર સેફ સિટી તરીકે બિરૂદ પામનાર સુરત મનપાના મેયર દ્વારા આ રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં મનપા દ્વારા સફાઇ મિત્ર સુરક્ષા અંતર્ગત થયેલ કામગીરીનું વર્ચ્યુઅલ પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. અંદાજે 7 મિનિટ જેટલું પ્રેઝન્ટેશન મેયરે દેશભરના તજજ્ઞો, ઉચ્ચાધિકારીઓ સમક્ષ કર્યુ હતું. છેલ્લાં 10 વર્ષથી સુરતમાં મનપા દ્વારા થતી ગટરસફાઇની કામગીરીમાં કોઇ સફાઇ કામદારનું મૃત્યુ થયું નથી. મનપા દ્વારા કોન્ટ્રાક્ટ બેઝ પર સોંપાયેલ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટરની બેદરકારીને પગલે ડ્રેનેજ લાઇનમાં ગૂંગાળાવાથી કામદારોના મૃત્યુની છૂટીછવાઇ ઘટનાઓ બની છે. મનપા દ્વારા 26 બિનસંગઠિત સફાઇ કામદારોન આત્મનિર્ભર કરવા માટે ગટરસફાઇ મશીનો માટે સરકારની વિવિધ યોજના હેઠળ લોન પણ મંજૂર કરી આપવામાં આવી છે.
દેશમાંથી એકમાત્ર સુરતના મેયરને તક :
દેશમાંથી એકમાત્ર સુરત મનપાના મેયરને જ આ રાષ્ટ્રીય સ્તરના સેમિનારમાં વર્ચ્યુઅલી પ્રેઝન્ટેશનની તક મળી હતી. આ સિવાય વિવિધ એનજીઓ, સરકારી વિભાગના તજજ્ઞો, નીતિ આયોગના પ્રતિનિધિઓ વગેરેને પોતાના વિષય પર પ્રેઝન્ટેશન/ચર્ચા માટેની તક મળી હતી. નોંધનીય છે કે, મેન હોલથી મશીન હોલ સુધીના લક્ષ્યને હાંસિલ કરવા માટે વર્ષ 2022-23માં મનપા દ્વારા 28,50 કરોડ તેમજ વર્ષ ૨2023-24માં 38.27 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.