સચિન વિસ્તારમાં બાળકી પર બળાત્કાર હત્યા કેસમાં આરોપીને માત્ર પાંચ મહિનામાં ફાંસીની સજા

0

શહેરના છેવાડે આવેલા સચિન વિસ્તારમાં માત્ર બે વર્ષની બાળકીને રમાડવાના બ્હાને લઈ ગયા બાદ તેની સાથે પાશવી બળાત્કાર ગુજારીને હત્યા કરવાના આરોપમાં ઝડપાયેલા આરોપીને સેશન્સ કોર્ટ દ્વારા બે દિવસ પૂર્વે આરોપીને દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. આજે સેશન્સ કોર્ટે જઘન્ય અપરાધમાં આરોપીને ફાંસીની સજા ફટકારવાનો નિર્ણય સંભળાવ્યો હતો. પાંચ મહિના પહેલાં આ જઘન્ય પ્રકરણમાં સમગ્ર વિસ્તારમાં આરોપી વિરૂદ્ધ ભારે રોષ ફાટી નીકળ્યો હતો. જો કે, પોલીસ દ્વારા ગણતરીનાં દિવસોમાં જ ચાર્જશીટ દાખલ કરીને સજ્જડ પુરાવાઓ એકઠાં કરવામાં આવ્યા હતા. જેના આધારે આજે સેશન્સ કોર્ટ દ્વારા ફાંસીનો ચુકાદો સંભળાવવામાં આવ્યો છે.

ગત 27મી ફેબ્રુઆરીના રોજ સચિનમાં આવેલા એક ગામમાં રહેતા ઈસ્માઈલ યુસુફે પોતાના ઘરની પાસે જ રહેતા એક પરિવારની બે વર્ષની માસુમ બાળકીને રમાડવાના બ્હાને લઈ ગયો હતો. મોડી સાંજ સુધી બાળકી પરત ઘરે ન ફરતાં પરિવારજનો દ્વારા યુસુફ અને વ્હાલસોયી પુત્રની શોધખોળ હાથ ધરી હતી. જો કે, બાળકીની સાથે – સાથે યુસુફ પણ ગાયબ હોવાને કારણે પરિવારજનોમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી જવા પામી હતી. આ અંગે પરિવારજનો દ્વારા તાત્કાલિક સચીન પોલીસને જાણ કરવામાં આવી હતી.
સ્થાનિક પોલીસ દ્વારા પણ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને તાત્કાલિક અલગ – અલગ ટીમો બનાવીને આરોપી યુસુફ સહિત બાળકીની શોધખોળ હાથ ધરી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ સમગ્ર ગામમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોમાં યુસુફ વિરૂદ્ધ ભારોભાર આક્રોશ ફાટી નીકળ્યો હતો. ભારે શોધખોળને અંતે ગામમાં જ એક બંધ મકાનના પાછળના ભાગે ઝાડી – ઝાંખરામાંથી માસુમ બાળકીનો પિંખાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. માત્ર બે વર્ષની બાળકી સાથે પાશવી બળાત્કાર બાદ તેને મોતને ઘાટ ઉતારનાર ઈસ્માઈલ યુસુફ વિરૂદ્ધ આ ઘટનાને પગલે ભારે રોષની લાગણી ફાટી નીકળી હતી. પોલીસ દ્વારા પણ આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા અને સીસીટીવી સહિતની તપાસને અંતે આરોપીને ગણતરીનાં દિવસોમાં ઝડપી પાડવામાં આવ્યો હતો.

માત્ર પાંચ મહિનામાં ફાંસીની સજા

27મી ફેબ્રુઆરીએ સમગ્ર પંથકમાં ચકચાર જગાવનાર આ જઘન્ય ઘટનામાં સ્થાનિક પોલીસ દ્વારા આરોપી વિરૂદ્ધ ગણતરીનાં દિવસોમાં જ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા સજ્જડ પુરાવાઓ અને વકીલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખીને સેશન્સ કોર્ટ દ્વારા આરોપીને ઈન્ડિયન પીનલ કોડની કલમ 302, 363, 366, પોસ્કો એક્ટ 376, એ, બી, અને 377 સહિતની કલમ હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યો હતો. નામદાર કોર્ટ દ્વારા પણ આ ઘટનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણવામાં આવ્યો હતો અને જેને પગલે સમાજ માટે અભિશાપ રૂપ આરોપીને ફાંસીની સજા ફટકારવાનો આદેશ કરવામાં આવ્યો છે.

આરોપી યુસુફ માનસિક વિકૃત્ત

માત્ર બે વર્ષની માસુમ બાળકીને રમાડવાના બ્હાને લઈ ગયા બાદ તેના પર બળાત્કાર ગુજારનાર આરોપી યુસુફની ધરપકડ બાદ પોલીસ દ્વારા તેના મોબાઈલને ફોરેન્સિકમાં તપાસ માટે મોકલવામાં આવ્યો હતો. જ્યાં તપાસ કરનાર પોલીસ પણ ચોંકી ઉઠી હતી. નરાધમ યુસુફના મોબાઈલમાંથી એક – બે નહીં પરંતુ 200 જેટલા અશ્લીલ વીડિયો અને તસવીરો મળી આવ્યા હતા. જેને પગલે નરાધમ માનસિક વિકૃત્ત હોવાનું પણ ફલિત થયું હતું.

પીડિતાના પરિવારજનોને 10 લાખની સહાય

સચીનના ગામમાં માસુમ બાળકીને અવાર – નવાર રમાડવામાં માટે લઈ જનાર યુસુફ દ્વારા આચરવામાં આવેલી હેવાનિયતને પગલે બાળકીના પરિવારજનો પર આભ તુટી પડ્યું હતું. માત્ર બે વર્ષની માસુમ બાળકી સાથે આચરવામાં આવેલ દુષ્કૃત્ય અને ત્યારબાદ તેની ઘાતકી હત્યાની ઘટનામાં પોલીસની સજ્જડ તપાસ અને પુરાવાને આધારે છઠ્ઠા એડિશનલ સેશન્સ જજ શકુંતલાબેન સોલંકીએ ફાંસીની સજા ફટાકરવાની સાથે – સાથે મૃત બાળકીના પરિવારજનોને 10 લાખ રૂપિયાના વળતરની પણ જાહેરાત કરી હતી.

માત્ર 11 દિવસમાં પોલીસે ચાર્જશીટ રજુ કરી

સચિન સહિત સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવનાર આ પ્રકરણમાં પોલીસ દ્વારા ગણતરીનાં સમયમાં જ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા બાદ માત્ર 11 દિવસમાં ચાર્જશીટ રજુ કરવામાં આવી હતી. આ સિવાય આરોપી વિરૂદ્ધ પોલીસ દ્વારા એફએસએલ અને ડીએનએના પુરાવાઓ પણ એકત્ર કરવામાં આવ્યા હતા. આ સિવાય બાળકીને લઈ જતી વખતે સાક્ષીઓ સહિતના પુરાવાઓને પણ કોર્ટ દ્વારા ગાહ્ય રાખવામાં આવ્યા હતા અને જેને પગલે અંતે આરોપીને ફાંસીની સજા સંભળાવવામાં આ પુરાવાઓ મહત્વપૂર્ણ સાબિત થયા હતા.
——

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *