Surat : 2026 સુધી બીલીમોરા સુરત વચ્ચે બુલેટ ટ્રેનનું ટ્રાયલ રન
મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પ્રથમ બુલેટ ટ્રેન (Bullet Train ) પ્રોજેક્ટનું કામ હવે વેગ પકડી રહ્યું છે. 2026 સુધીમાં સુરતથી બીલીમોરા વચ્ચે બુલેટ ટ્રેન દોડાવવામાં આવે તેવી શક્યતા છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામ વિશે માહિતી આપતાં રેલવે મંત્રાલયે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે 118 કિલોમીટરથી વધુના અંતર માટે ગ્રાઉન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવી રહ્યું છે.
બુલેટ ટ્રેન સ્ટેશનનું નિર્માણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે. સુરતમાં બનનારા બુલેટ ટ્રેન સ્ટેશનના એક ભાગમાં ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થયા બાદ પહેલા માળનું કામ શરૂ કરવામાં આવ્યું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ચાલી રહેલા કામની માહિતી શેર કરતા રેલ્વે મંત્રાલયે કહ્યું કે 23 નવેમ્બર સુધી 24.1 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાતમાં લગભગ 30 ટકા અને મહારાષ્ટ્રમાં 13 ટકા કામ થયું છે. મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ 508 કિમીનો છે અને તેમાંથી મોટા ભાગનો ગુજરાતમાં આવે છે. મહારાષ્ટ્રમાં 98.22 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં 98.87 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે. આ ઉપરાંત દાદરા અને નગર હવેલીમાં પ્રોજેક્ટ માટે 100 ટકા જમીન સંપાદિત કરવામાં આવી છે.
અધિકારીઓએ જણાવ્યું કે નદીઓ પર તમામ નાના અને મોટા પુલ બનાવવામાં આવી રહ્યા છે. બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં બાંધકામનું કામ કોન્ટ્રાક્ટર ફર્મને સોંપવામાં આવ્યું છે. ટૂંક સમયમાં આ પ્રોજેક્ટનું કામ મહારાષ્ટ્રમાં પણ જોવા મળશે. ગુજરાતમાં આણંદ, સુરત, વડોદરા, ભરૂચ, વિલીમોરા, વાપી અને નવસારી જિલ્લામાં ટ્રેન સ્ટેશનોનું નિર્માણ શરૂ થયું છે.