ઓમકારેશ્વર માં નર્મદા પરિક્રમા વેળાએ શ્રદ્ધાળુઓની બોટ પલટી મારી:ઘટનામા સુરતના માતા પુત્રનું મોત
મોરબીમાં થયેલા અકસ્માતે સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે.ઘટનામા જીવ ગુમાવનારા મૃતકોના પરિવારના આંસુ સુકાઈ નથી રહ્યા ત્યાં હવે ઓમકારેશ્વરમાં પરિક્રમા કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓની હોળી પલટી મારી ગઈ હતી. આ ઘટનામાં લિંબાયત વિસ્તારના માતા પુત્ર નું મોત નીપજ્યું છે.જ્યારે 10 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ઘટનાને પગલે મૃતકના પરિવારમા શોકની કાલિમા છવાઈ જવા પામી છે.
સુરતના લિંબાયતના હનુમાન મંદિર મોહલ્લામાં રહેતા 16 લોકો મધ્યપ્રદેશમા આવેલ યાત્રાધામ ઓમકારેશ્વર ખાતે પરિક્રમા કરવા ગયા હતા. જેઓ ઓમકારેશ્વર મંદિરે દર્શન કર્યા બાદ નર્મદા પરિક્રમા માટે ગુરુવારે સાંજના બોટમાં બેસીને ઘાટ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન શ્રદ્ધાળુઓથી ભરેલી બોટ પલટી મારી ગઈ હતી. બોટમાં 12 જેટલા લોકો સવાર હતા જે અકસ્માત સર્જાતા નદીમાં પડી ગયા હતા. આ ઘટનામાં સુરતના લિંબાયતના હાજર પરિવાર પૈકી 31 વર્ષીય દર્શનાબેન અને છ વર્ષનો પુત્ર નક્ષ બોટ નીચે આવી જતા બંનેના મોત થયા હતા. જ્યારે અન્ય યાત્રિકોને તરવૈયાઓની મદદ વડે ભારે જેહમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનામાં એક જ પરિવારના માતા પુત્રના મોતને પગલે પરિવાર પર દુઃખના પહાડ તૂટી પડ્યા હતા.
મોરબીમાં બનેલી ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે અને પ્રવાસન સ્થળોએ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ મધ્યપ્રદેશના ઓમકારેશ્વર માં બનેલી આ ઘટનામા સંચાલકોની લાપરવાહી સામે આવી છે. અહીં ટર્બાઇન માંથી પાણી તે જ ગતિએ પડી રહ્યું હોવા છતાં ખલાસીએ લોકોના જીવની પરવા કર્યા વગર બોટ હાંકી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતા સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.