E-FIR કરવામાં આખા રાજ્યમાં સુરત શહેરે મેદાન માર્યું, સૌથી વધારે ફરિયાદ સુરતમાંથી
ગત જુલાઈ 2022ના રોજ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના(Amit Shah) હસ્તે સૌપ્રથમ વખત ગુજરાતમાં(Gujarat) ઈએફઆઈઆરનો કોન્સેપ્ટ લોન્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ અગાઉ એક પણ રાજ્યમાં આ પ્રકારનો કોન્સેપ્ટ જોવાયો નથી. ગુજરાતમાં સૌપ્રથમ વખત આ પ્રકારનો નવો પ્રયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને વાહન ચોરી – મોબાઈલ ચોરી મામલે ઈ એફઆઇઆર ગણતરીની મિનિટોમાં દાખલ થઈ જાય અને લોકોને ત્વરિત રીતે ન્યાય મળે તે આ ઈ એફઆઈઆરનો હેતુ છે.
ઇ-એફઆઇઆરને લઈને સમગ્ર રાજ્યમાં અંદાજે 20 હજાર જેટલા પોલીસ કર્મચારીઓને કામે લગાડાયા છે. એટલું જ નહીં એક વિશેષ સોફ્ટવેર બનાવ્યું છે જે આ મુદ્દે કામ કરશે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા છ મહિનામાં અંદાજે 1763 જેટલી – એફઆઈઆર સમગ્ર ગુજરાતમાં નોંધાઇ છે. જોકે આ તમામમાં સુરત શહેરે મેદાન માર્યું છે.
સૌથી વધુ ગુનાખોરી ધરાવતું સૌથી વધુ ઇ એફઆઇઆર નોંધાઈ હોય તેવું શહેર સુરત બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ત્યારબાદ અનુક્રમે અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા ,ખેડા અને આણંદ જિલ્લાનો સમાવેશ થાય છે. સ્વાભાવિક રીતે જ પાંચ મેટ્રોપોલિટિન સિટીમાં વધુ વસ્તીને લઈને ગુનાખોરીનું પ્રમાણ કદાચ વધારે હોય તે સમજી શકાય છે, પણ આસ્ચ્ર્યજનક રીતે મહેસાણા પણ ગુનાખોરોમાં પ્રથમ હરોળમાં આવ્યું છે. સૌથી વધુ ગુનાઓ વાહનચોરી મામલે નોંધાયા છે.
રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગના વડા નરસિમ્હા કોમરે જણાવ્યું હતું કે કેટલાક પોલીસ કર્મચારીઓ જાણી જોઈને સમય મર્યાદામાં નિવેદન નહીં લઈને ઈ એફઆઈઆર કેન્સલ થઇ જાય તેવા પ્રયત્નો કરતા જોવા મળ્યા છે. ઈ એફઆઇઆરના નિયમ અનુસાર જો સમય મર્યાદાની અંદર નિવેદન ન નોંધાય તો તે ઈ એફઆઈઆર આપોઆપ કેન્સલ થઇ જાય છે. આ મામલે તમામ જિલ્લાઓમાં આવા પોલીસ કર્મચારીઓ સામે કડક વલણ અપનાવવાની સૂચના પણ આપવામાં આવી છે.