જંત્રીના અસહ્ય ભાવવધારાથી ફક્ત મહાનગરો જ નહીં ગામડાઓને પણ પ્રતિકૂળ અસર થશે : ક્રેડાઈ
રાજ્ય સરકાર(Government) દ્વારા જંત્રીના દરમાં રાતોરાત કરવામાં આવેલા અસહ્ય ભાવ વધારાને પગલે સમગ્ર રાજ્યમાં (State)બિલ્ડર્સ અને ડેવલપર્સ સહિતના રોકાણકારોમાં ભારોભાર આક્રોશ જોવા મળી રહ્યો છે. જંત્રીના દરમાં કરવામાં આવેલા અસહય વધારા અંગે ક્રેડાઈ દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજુઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી આ અંગે કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં આજે સુરત જિલ્લા કલેકટરને ક્રેડાઈ દ્વારા આવેદન પત્ર પાઠવીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
એક દાયકા બાદ રાજ્ય સરકાર દ્વારા જંત્રીના દરમાં 100 ટકાનો વધારો કરવામાં આવતાં રિઅલ એસ્ટેટના સેક્ટરને સૌથી વધુ પ્રતિકુળ અસર થશે તેવી ભીતિ સાથે 6ઠ્ઠી ફેબ્રુઆરીના રોજ ક્રેડાઈના હોદ્દેદારો સહિત બિલ્ડર્સ અને ડેવલપર્સ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રજુઆત કરવામાં આવી હતી. જંત્રીના દરમાં કરવામાં આવેલો વધારો અસહ્ય હોવાની રજુઆત સાથે તેમાં પુનઃ સંશોધન કરવા અંગે રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ અંગે કોઈ ફેરફાર ન કરવામાં આવતાં ક્રેડાઈના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા જંત્રીમાં કવામાં આવેલ વધારાનો જે કઠોર નિર્ણય લેવામાં આવ્યો છે તેના કારણે રાજ્યનો વૈશ્વિક સ્તરે થઈ રહેલ વિકાસને નકારાત્મક અસર જોવા મળશે. આ સિવાય માત્ર રાજ્યના મહાનગરો જ નહીં પરંતુ નાના શહેરોથી માંડીને તાલુકાઓ અને ગામડાઓમાં પણ જંત્રીના ભાવ વધારાને પગલે નકારાત્મક અસર જોવા મળશે તેવી આશંકા વ્યક્ત કરવાની સાથે વહેલી તકે જંત્રીના દરમાં ફેરફાર કરવા અંગે મુખ્યમંત્રી સમક્ષ વધુ એક વખત આવેદન પત્ર દ્વારા રજુઆત કરવામાં આવી હતી.