સુરત એરપોર્ટ સોનાના તસ્કરો માટે સ્વર્ગ સમાનઃ ચાર વર્ષમાં 10 કરોડનું સોનું ઝડપાયું
એકમાત્ર આંતરરાષ્ટ્રીય(International) વિમાની સુવિધા ધરાવતાં સુરત શહેરનું એરપોર્ટ સોનાના દાણચોરો માટે સ્વર્ગ સમાન પુરવાર થઈ રહ્યું છે. હાલમાં જ સુરત શહેરમાં લાખ્ખો રૂપિયાના સોનાની દાણચોરીનો ઘટસ્ફોટ થતાં ભારે હોબાળો મચી જવા પામ્યો હતો. જેમાં એરપોર્ટ ખાતે ફરજ બજાવતાં એક પીએસઆઈની પણ શંકાસ્પદ ભૂમિકા હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. અલબત્ત, આ સંદર્ભે એક આરટીઆઈ દાખલ કરવામાં આવતાં માત્ર ચાર વર્ષમાં જ સુરત શહેરના એરપોર્ટ પરથી 20 કિલો સોનાનો જથ્થો ઝડપાયો હોવાનું જાણવા મળ્યું છે. જેમાં સૌથી વધુ સને 2022-23માં અંદાજે 8 કિલો કરતાં સોનાની દાણચોરીનો પર્દાફાશ થયો હતો.
આ સંદર્ભે વધુ માહિતી આપતાં સુરત એરપોર્ટ એકશન કમિટીના મેમ્બર સંજય ઈઝાવાએ જણાવ્યું હતું કે, હાલમાં સુરત એરપોર્ટ ખાતેથી એકમાત્ર શારજાહ ખાતેની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની સુવિધા ઉપલબ્ધ છે. સપ્તાહમાં ત્રણ ફ્લાઈટ હોવા છતાં સુરત એરપોર્ટ સોનાના તસ્કરો માટે ગ્રીન ચેનલ સમાન પુરવાર થઈ રહ્યું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં સુરત એરપોર્ટ પરથી 20 કિલો સોનાની તસ્કરીનો ઘટસ્ફોટ થયો છે. જેમાં સને 2019-20માં 6799.12 ગ્રામ, સને 2021-22માં 282.60 ગ્રામ, સને 2022-23માં 8955.78 ગ્રામ અને ચાલુ વર્ષમાં માત્ર ઓગસ્ટ મહિના સુધીમાં જ 4356.69 ગ્રામ સોનાનો જથ્થો ઝડપાયો છે.
આ ચારેય વર્ષ દરમિયાન પકડાયેલા કુલ સોનાના જથ્થાની કિંમત અંદાજે 10 કરોડ રૂપિયા સુધી હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે વર્ષ ૨૦૧૯ – ૨૦ માં ૧૪ વખત, વર્ષ ૨૦૨૧-૨૨ માં ૧ વખત, વર્ષ ૨૦૨૨-૨૩ માં ૧૭ વખત અને વર્ષ ૨૦૨૩-૨૪ માં ઓગસ્ટ મહિના સુધી ૯ વખત મળીને ફૂલ ૪૧ વખત સુરત એરપોર્ટ પર થી દાણચોરીના કિસ્સા કસ્ટમ વિભાગમાં નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. જો કે, આશ્ચર્યની વાત એ છે કે, આ તમામે તમામ કિસ્સાઓ પૈકી એક પણ કિસ્સામાં કસ્ટમ વિભાગ દ્વારા પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. બીજી તરફ હાલમાં સુરત એરપોર્ટ પર પોલીસ અધિકારીઓ અને જવાનો સાથે કસ્ટમ વિભાગના 13 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
દાણચોરીમાં પોલીસ અને કસ્ટમની મિલીભગતની આશંકાઃ સંજય ઈઝાવા
આ સંદર્ભે સંજય ઈઝાવા દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, સુરત એરપોર્ટ થી થઇ રહેલ આ દાણચોરીમાં સુરત પોલીસ અને કસ્ટમ્સનાં ઘણા અધિકારીઓની મિલી ભગત હોય શકે છે. સુરત એરપોર્ટ સ્મગ્લરો માટે ગ્રીન ચેનલ સમાન થઇ ગયું છે. દેશના ઇકનોમીને અસર પડી શકે એવા ગોલ્ડ સ્મગલીંગમાં અધિકારીઓ વધુ ધ્યાન આપવું પડશે. શરૂઆતથી જ સ્મગ્લરોની ચેનલ તોડવું પડશે, અન્યથા સુરત એરપોર્ટ દેશ માટે એક કલંક બની શકે છે, જે સુરત એરપોર્ટના વિકાસ અને વિદેશી વિમાની સેવામાં અસર પડશે.
કસ્ટમ વિભાગના ચોપડે દર દોઢ મહિને દાણચોરીનો એક કિસ્સો નોંધાય છે
રાજ્યની આર્થિક રાજધાની સુરત શહેરમાં આજથી ચારેક વર્ષ પૂર્વે સુરત એરપોર્ટ ખાતેથી શાહજહાંની આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની સુવિધા શરૂ થઈ હતી. જેને પગલે સુરતીઓનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચ્યો હતો. જો કે, આ ફ્લાઈટની સુવિધા શહેરીજનો કરતાં દાણચોરો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી હોય તેવું ફલિત થઈ રહ્યું છે. છેલ્લા ચાર વર્ષમાં સુરતથી શાહજહાં માટે અંદાજે 600થી વધુ ફ્લાઈટો ઉપડી છે પરંતુ આ સમયગાળા દરમિયાન જ 41 જેટલા સોનાની દાણચોરીના કિસ્સાઓ કસ્ટમ વિભાગના ચોપડે નોંધાયા છે. જેને પગલે દર દોઢ મહિનામાં સરેરાશ એક કિસ્સો દાણચોરીનો નોંધાયો હોય તેવું જણાઈ રહ્યું છે.