પાંડેસરાની પ્રતીક ડાઇંગ મિલમાં લાગેલી ભીષણ આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા
સુરતના(Surat) પાંડેસરા વિસ્તારમાં ફરી એક વાર ભીષણ આગનો(Fire) બનાવ સામે આવ્યો છે. પાંડેસરાના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી પ્રતીક ડાઇંગ મિલમાં આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. આગ એટલી ભીષણ હતી કે દૂરથી પણ ધુમાડાના ગોટેગોટા જોવા મળતા હતા.
આગનો કોલ મળતા જ સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને પાણીનો સતત મારો ચલાવીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. ભીષણ આગને કારણે મિલને મોટું નુકશાન પણ થયું હતું. એટલું જ નહીં મિલમાં શેડનો ભાગ પણ આગને કારણે બેસી ગયો હોવાનું જાણવા મળ્યું છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ પાંડેસરા જીઆઇડીસી ખાતે પ્લોટ નંબર 522મા રામ પ્રકાશ બેરૈયાની માલિકીની પ્રતિક મિલ આવેલી છે. આ મિલમાં આજરોજ વહેલી સવારે સેન્ટર મશીનમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભડકી ઉઠી હતી.આગને કારણે આસપાસના લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. તો બીજી બાજુ જોત જોતામાં આગ ગ્રાઉન્ડ ફ્લોર થી લઈને ફર્સ્ટ ફ્લોર સુધી પ્રસરી ગઈ હતી. જેને કારણે મીલના પતરાનો શેડ બેસી ગયો હતો. આ ઉપરાંત મિલમાં રહેલો કાપડનો જથ્થો સંપૂર્ણ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો.ઘટના અંગેની જાણ થતાં ફાયર વિભાગનો કાફલો સ્થળ પર પહોચ્યો હતો. ભેસ્તાન, માનદરવાજા, ડીંડોલી, મજૂરા ગેટ ,વેસુ, નવસારી બજાર, ડુંભાલ અને કતારગામની મળી 15 થી વધુ ફાયરની ગાડીઓ અને ફાયર જવાનો સ્થળ પર પહોંચ્યા હતા. અને સતત પાણીનો મારો ચલાવી ભારે જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
જુઓ વિડીયો :
પ્રતિક ડાઈંગમિલમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી તેના ધુમાડાના દૂર દૂર સુધી દેખાયા હતા. જેને કારણે જીઆઇડીસીના લોકોમાં અફરાતફરી જવા પામી હતી. આગને કારણે મિલમાં મોટા પાયે નુકશાન થયું છે.જો કે સબનસીબે આગને કારણે કોઈ ઈજા કે જાન હનીનો બનાવ ન બનતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.નોંધનીય છે કે પાંડેસરા જી આઇ ડીસી જેવા ઔધોગિક વિસ્તારોમાં આગના ઉપરાછાપરી બનાવો અવારનવાર બનતા રહે છે. પરંતુ તેમ છતાં ફાયર સેફટીના નામે અહીં કોઈ ચેકીંગ પણ કરવામાં આવતું નથી. અહીં અસંખ્ય મિલો આવેલી છે તેમજ જ્વલનશીલ મટિરિયલને કારણે અહીં આગ વિકરાળ બનવાની પણ પુરેપુરી સંભાવના રહેલી છે. આવા ઔધોગિક વિસ્તારોમાં ફાયર સેફટી લગભગ શૂન્ય હોવા છતાં પાલિકાના ફાયર વિભાગ દ્વારા મિલ માલિકો સામે કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી.