સુરતની સડકનો રસ્તો જાય છે સરહદ સુધી : એકસાથે 14 યુવાનોની સેનામાં પસંદગી થતા ઉત્સાહ સાતમા આસમાને
સુરતના એ યુવાનો જે સૂરતના નવાગામ ડિંડોલીમા કોઈ પણ સુવિધા વગર વર્ષોથી સડક સે સરહદ તક ગ્રુપમાં આર્મી મા જોડાવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે.આર્મી અને પોલીસમાં વિભાગમાં જવા ઇચ્છુક યુવાનો દ્વારા સડક સે સરહદ તક ગ્રુપ ચાલે છે. આ ગ્રુપના યુવાનો આર્મી,પોલીસ અને અન્ય વિભાગોમા નોકરી મેળવા માટે સ્વયંભૂ મહેનત કરે છે. ત્યારે હાલ આ ગ્રુપના 14 યુવાનોની અગ્નિવીર યોજના અંતર્ગત સેનામા પસંદગી થઈ છે.
સૂરતના નવાગામ ડિંડોલી વિસ્તારમા સડક સે સરહદ તક નામનું ગ્રુપ કાર્યરત છે આ ગ્રુપનો ઉદ્દેશ ભારતીય સેનામા સેવા આપી દેશની રક્ષા કરવાનો છે, ગરીબ અને મધ્યમ વર્ગના આ યુવાનો કોઈ ટ્રેનર અને સુવિધા વગર જીવના જોખમે જાહેર રસ્તા પર દોડી તનતોડ મહેનત કરતા આવ્યા છે.દેશ સેવામાં જીવન સમર્પિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ યુવાનોમાંના કેટલાક યુવાનો નોકરી સાથે તો કેટલાક યુવાનો અભ્યાસ સાથે રાત દિવસ એક કરી પોતાના સપના સાકાર કરવા મહેનત કરી રહ્યા છે.પ્રાઇવેટ જોબ અને અભ્યાસ સાથે સેનામાં જવાનું સપનું પૂરું કરવા ખૂબજ પરિશ્રમ કરવો પડતો હોય છે પણ પરીવારનો અને મિત્રોના સાથ સહકારથી ઍમનો જુસ્સો વધારે મજબુત થતો ગયો અને આખરે વર્ષો સુધી રાત દિવસ મહેનત કરી આજે આ ગ્રુપના 14 જેટલા યુવાનોની અગ્નિવીર યોજના અંતર્ગત સેનામા પસંદગી થઈ છે.
સડક સે સરહદ ગ્રુપના આ યુવાનોની મહેનત રંગ લાવતા ગ્રુપના સભ્ય ,પસંદગી થનાર યુવાનોના પરિવારજનો અને તેમના મિત્રોમાં પણ ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને ફૂલોની માળા સાથે આ તમામ યુવાનોને વધાવી લઈ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સાથેજ યુવાનોના પરિવારજનો પણ તેમની મહેનત અને પરિશ્રમ બાદ મળેલી આ સફળતાથી ભાવુક થઈ ઉઠ્યા હતા.