નવરાત્રિ બાદ શરદ પૂનમની રાતે પુનઃગરબાની રંગત જામશે લોકો દૂધ-પૌંઆની જયાફત માણશે
• શરદ પૂનમની રઢિયાળી રાતનું ધાર્મિક અને આયુર્વેદની દૃષ્ટિએ ખાસ મહત્ત્વ અને મહાત્મ્ય
આસો માસની પૂનમ એટલે શરદ પૂર્ણિમા. શરદ પૂનમની રાતે નવરાત્રિ બાદ પુનઃ ગરબાની રંગત જામશે, તો પૂનમની શીતળ ચાંદનીમાં રાખેલા દૂધ-પૌંઆ આરોગવાનું ખાસ મહત્ત્વ પણ ધાર્મિક અને આયુર્વેદની દૃષ્ટિએ રહેલું છે. વર્ષની બાર માસની પૂનમમાં સૌથી વધારે મહત્ત્વ આસો માસની પૂનમનું રહેલું છે. આસોની પૂનમને શરદ પૂનમ કહેવામાં આવેછે.
લોકબોલીમાં તેને માણેકઠારી પૂનમ પણ કહેવામાં આવે છે. આયુર્વેદ અને શાસ્ત્રની દૃષ્ટિએ શરદ પૂનમની ચાંદની ખૂબ જ મહત્ત્વ અને મહાત્મ્ય રહેલું છે. પૂનમની રાત્રે શીતળ ચાંદનીમાં રાખેલા દૂધ પૌંઆ ખાવાથી આરોગ્ય સુખાકારી જળવાઈ રહે છે.
નવરાત્રિના નવ દિવસમાં ગરબા રમવા છતાં જેના ઓરતાં અધૂરાં રહી ગયાં હોય તેવા ખેલૈયાઓ શરદ પૂનમની રાત્રે ગરબાનીરંગત જમાવશે. કારણ કે, શીતળ ચાંદનીમાં ગરબા રમવા બાબતે સીધું તેનું મહત્ત્વ આરોગ્ય સાથે જોડાયેલું છે. તેવી જ રીતે સમુદ્રમાં પણ ખાસ પ્રકારની માછલીઓમાં માણેક નામનું રત્ન આકાર લેતું હોય છે, જેની શરૂઆત શરદ પૂનમની રાતે થતું હોવાથી તેને માણેકઠારી પૂનમ પણ કહેવામાં આવે છે.
શરદ પૂનમની રાતનું વર્ણન આપણા શાસ્ત્ર અને સાહિત્યમાં પણ વર્ણવાયેલું જોવા મળે છે. શરદ પૂનમની રાતને રઢિયાળી રાત પણ કહે છે. જો કે, આ વર્ષે વરસાદી માહોલ હોવાથી શરદ પૂનમની રાતના ગરબામાં વિઘ્ન નડવાની શક્યતા છે. છતાં પણ ખેલૈયાઓ પૂનમની રાતે ગરબા રમવા ઉત્સુક છે. હવે આધુનિક યુગમાં દૂધપૌંઆની સાથે બટાટાવડાંનું વ્યંજન પણ ઉમેરાયું છે, તેથી વરસાદ પડશે તો પણ લોકો ગરબા નહીં રમાય તો દૂધ-પૌંઆની સાથે સાથે બટાટાવડાંની જયાફત પણ માણશે.