સેશન્સ કોર્ટમાં જ અપીલ કરશે રાહુલ ગાંધી : આજે બપોરે આવશે સુરત
સુરતની(Surat) ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે(Court) ફટકારેલી સજા સામે અપીલ કરવા માટે રાહુલ ગાંધી(Rahul Gandhi) સોમવારે સુરત આવી રહ્યા છે. તે તેની સજા સામે સુરત જિલ્લા અને સેશન્સ કોર્ટમાં અપીલ કરશે. 23 માર્ચે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં બે વર્ષની સજા સંભળાવી હતી. હાલ રાહુલ 30 દિવસના જામીન પર છે.
સેશન્સ કોર્ટમાં જ અપીલ કરશે રાહુલ :
વર્ષ 2019 માં, લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન, સુરતની પશ્ચિમ વિધાનસભા બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ચૂંટણી સભામાં મોદી અટક પર કથિત રીતે ટિપ્પણી કરવા બદલ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સુરતની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે રાહુલ ગાંધીને IPCની કલમ 499 અને 500 હેઠળ દોષિત ઠેરવી બે વર્ષની કેદ અને 15,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે. જો કે, કોર્ટે 30 દિવસ માટે સજાને સ્થગિત કરી અને રાહુલ ગાંધીને જામીન પર મુક્ત કર્યા. આ કેસમાં રાહુલે નિર્ધારિત સમયમાં ઉચ્ચ અદાલતમાં અપીલ કરવાની છે.
છેલ્લા દસ દિવસથી આ મામલે ચર્ચા ચાલી રહી હતી કે રાહુલ ગાંધીનું આગળનું પગલું શું હશે. નિષ્ણાતોનું માનવું હતું કે રાહુલ સેશન્સ કોર્ટના બદલે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. કોંગ્રેસ આ કેસના રાજકીય અને કાયદાકીય પાસાઓ પર ગુણદોષનું વજન કરી રહી હતી. આ મામલે કોંગ્રેસના સમર્થનમાં આવેલા વિપક્ષના નેતાઓ જ નહીં પરંતુ શાસક પક્ષ સાથે જોડાયેલા નેતાઓ પણ કોંગ્રેસની રણનીતિ અંગે અટકળો લગાવી રહ્યા હતા.
તમામ નેતાઓના સુરતમાં ધામા :
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ નીચલી અદાલતના નિર્ણયથી રાહત માટે ઉચ્ચ અદાલતમાં જવાના વિલંબ અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા એ સ્પષ્ટ થઈ ગયું છે કે રાહુલ સેશન્સ કોર્ટમાં જ અપીલ કરશે. આ માટે રાહુલ આજે સુરત આવી રહ્યા છે. આ પહેલા રવિવારે જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પૂર્વ પ્રમુખ અમિત ચાવડા વ્યવસ્થા માટે સુરત આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર સોમવારે રાહુલ ગાંધી સુરત આવે તે પહેલા રાજ્યના તમામ મોટા નેતાઓ અહીં એકઠા થશે. રાહુલ ગાંધી બપોરે 2 વાગ્યાની આસપાસ સુરત આવશે.