સ્વિમિંગ પુલની ફી વધારાના મુદ્દે હવે ડિંડોલીમાં પણ સભ્યો દ્વારા વિરોધ
શહેરમાં સુરત મહાનગર પાલિકા(SMC) સંચાલિત તરણકુંડોની ફીમાં અસહ્ય વૃદ્ધિને પગલે શહેરીજનોમાં ભારે વિરોધ ફાટી નીકળ્યો છે. છેલ્લા ત્રણ દિવસથી સ્વીમિંગ પુલની ફીમાં કરવામાં આવેલ બેફામ ફી વધારો પરત લેવાની માંગ સાથે તરણકુંડોની બહાર સભ્યો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સિંગણપોર બાદ આજે ડિંડોલી તરણકુંડ ખાતે વહેલી સવારે સભ્યોએ એકઠાં થઈને સૂત્રોચ્ચાર સાથે ફી વધારો પરત લેવા અંગે માંગણી કરી હતી.
સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં 17 સ્વીમિંગ પુલનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. જો કે, કોરોના મહામારી બાદ સ્વીમિંગ પુલની સભ્ય ફીમાં કોર્પોરેશન દ્વારા અસહ્ય વધારો કરવામાં આવ્યો છે. 900 રૂપિયાની ફી વધારીને 3500 રૂપિયા જ્યારે 2500 રૂપિયાની ફી વધારીને 4500 રૂપિયા કરી દેવામાં આવી છે. આ સિવાય ત્રણ, છ, નવ અને બાર મહિનાની ફીમાં પણ 300 ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે ગરીબ અને મધ્યમ વર્ગીય સભ્યોના માથે આર્થિક ભારણ ઉભું થવા પામ્યું છે. આ સ્થિતિને પગલે ત્રણ દિવસ પહેલાં પણ શાસકો સમક્ષ ફી વધારો પરત ખેંચવા સંદર્ભે રજુઆત કરવામાં આવી હતી. જો કે, ડિંડોલી ખાતે અંબિકા ટાઉનશીપની પાસે આવેલ તરણકુંડમાં વહેલી સવારે સભ્યોએ એકઠાં થઈને અસહ્ય ફી વધારો પરત લેવા અંગે સૂત્રોચ્ચાર સાથે પોતાની રજુઆત કરી હતી.
મેઈન્ટેનન્સના નામે તરણકુંડ બંધ રાખવાનો પણ વિરોધ
ડિંડોલીમાં લેક ગાર્ડનની પાસે આવેલ તરણકુંડમાં મોટી સંખ્યામાં એકઠાં થયેલા સભ્યો દ્વારા ફી વધારાની સાથે – સાથે છેલ્લા કેટલાક સમયથી શનિવાર – રવિવારે તરણકુંડ બંધ રાખવાના નિર્ણયનો પણ વિરોધ કરવામાં આવ્યો હતો. ભારે આક્રોશ સાથે સભ્યોએ જણાવ્યું હતું કે, એક તરફ કોર્પોરેશન દ્વારા અસહ્ય ફી વધારો ઝીંકવામાં આવ્યો છે ત્યારે બીજી તરફ મેઈન્ટેનન્સના નામે દર મહિનાના બીજા અને ચોથા શનિવારે પણ તરણકુંડ બંધ રાખવામાં આવી રહ્યા છે. આ સિવાય દર રવિવારે પણ તરણકુંડ બંધ જ રહેતું હોય તો ત્યારે મેઈન્ટેનન્સ કરવા અંગે પણ સભ્યો દ્વારા રજુઆત કરવામાં આવી હતી.