સુરત પોલીસની સરાહનીય કામગીરી:250 જેટલા સીસીટીવી ચેક કરી હીરા વેપારીનું ત્રણ લાખના હીરાનું પેકેટ શોધી કાઢ્યું
સુરત પોલીસની વધુ એક સરહનીય કામગીરી સામે આવી છે. અને હીરા વેપારીનું ખોવાઈ ગયેલા ત્રણ લાખના હીરાનું પેકેટ શોધી કાઢી તેમની પરત કર્યું છે.કતારગામ વિસ્તારમાં રહેતા હીરા વેપારીનું રૂ.૩ લાખના હીરા મુકેલુ પેકેટ રાંદેર રોડ ઉપર પડી ગયું હતું. આ અંગે વેપારીએ રાંદેર પોલીસનો સંપર્ક કરતા રાંદેર પોલીસે ૨૫૦ જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી હીરા વેપારીને હીરા પરત કર્યા હતા. હીરાનું પડીકુ પાલનપુર પાટીયા રોટલા પીરબાવાની દરગાહ પાસે વેપારીના ખિસ્સામાંથી પડી ગયા બાદ તે એક ટેમ્પો ચાલકને મળ્યું હતું. પોલીસે ભારે મહેનતે સીસીટીવીના વ્યુ ચેક કરી જગ્યા આઈડેન્ટીફાઇ કર્યા બાદ વેપારીને હીરા પરત કરતા વેપારીએ પોલીસનો આભાર માન્યો હતો. પોલીસ કમિશનર અજયકુમાર તોમરે રાંદેર પી.આઇ અતુલ સોનારા અને તેમની ટીમને બિરદાવી રૂ.૫ હજારનું ઇનામ પણ આપ્યું હતું.
કતારગામ વસંનજીપાર્ક સોસાયટીમાં રહેતા વિપુલ સવજી કળથીયા હીરાના વેપારી છે. તેઓ પુત્રના એડમીશનના કામ માટે સંસ્કાર ભારતી સ્કુલ ખાતે ગયા હતા અને રાંદેર રોડ ઉપરથી પરત ફરી રહ્યા હતા ત્યારે સંસ્કાર ભારતી સ્કુલથી લઇ જિલ્લાની બ્રીજ સુધીના રસ્તામાં તેમનું રૂ.૩ લાખના હીરાનું પેકેટ પડી ગયું હતું. આ અંગે વિપુલ કળથીયાએ રાંદેર પોલીસનો સંપર્ક કર્યો હતો. વેપારીએ પોલીસને તેઓ નાના વેપારી હોવાનું અને જો હીરા નહીં મળશે તો મારો પરિવાર આર્થિક મુશ્કેલીમાં મુકાઇ જશે. તાજેતરમાં જ તેના પિતાના બે ઓપરેશનના મોટા ખર્ચા આવ્યા હોવાનું પોલીસને જણાવતા તેમની આંખ ભીની થઇ ગઇ હતી.
વેપારીની આજીજી બાદ રાંદેર પીઆઇ અતુલ સોનારા તથા પોલીસ કોન્સ્ટેબલ કનકસિંહ જેઠુ સિંહ અને રહીશ ગજસીંગ સહિતની ટીમે સીસીટીવી ફુટેજ ચકાસવામાં શરૂ કર્યું હતું. દરમિયાન રોડ સાઇડના વ્યુ કવર કરતા ૨૫૦ જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરાયા હતા. જેમાં પાલનપુર પાટીયા રોટલાપીર બાવાની દરગાહ પાસે આવતા વિપુલ કળથીયા ખિસ્સામાંથી રૂમાલ કાઢતા હતા તેનો સીસીટીવી વ્યુ પોલીસને દેખાયો હતો.ત્યારબાદ એક ટેમ્પો ચાલક મીનરલ વોટરની ડીલીવરી કરીરહ્યો હોય તેવી મુવમેન્ટ જણાઇ હતી. આ રૂટના સીસીટીવીને આધારે ટેમ્પો ચાલક સુધી પોલીસ પહોંચી હતી અને તેને હીરાના પેકેટ બાબતે પુછપરછ કરતા તેણે હીરા પોતાની પાસે હોવાનું જણાવતા તેણે હીરા વેપારીને હીરા પરત કર્યા હતા. રાંદેર પોલીસની મહેનત બદલ પોલીસ મિશનર અજકુમાર તોમરે પોલીસને રૂ.પ હજારનું ઇનામ આપ્યું હતું.