સુરતીઓને આંશિક રાહત : વેરાના દરમાં સ્થાયી સમિતિ દ્વારા 50 ટકાનો ઘટાડો કર્યો
સિટીલાઈટ (Citylight) ખાતે આવેલ સાયન્સ સેન્ટરમાં સ્થાયી (Standing) સમિતિ ચેરમેન પરેશ પટેલ દ્વારા સુરત (SMC) મહાનગર પાલિકાના નાણાંકીય વર્ષ 2022-23ના સુધારેલ બજેટ અને 2023-24ના બજેટને આંશિક સુધારા – વધારા સાથે બહાલી આપવામાં આવી હતી. આ દરમ્યાન સને 2022-23માં સુરત મહાનગર પાલિકામાં 6ઠ્ઠી ફેબ્રુઆરી સુધી કુલ રેવન્યુ આવક 3020 કરોડ રૂપિયા અને કેપિટલ આવક 1555 કરોડ રૂપિયા થવા પામી છે. સ્થાયી સમિતિ દ્વારા 2023-24ના ડ્રાફ્ટ બજેટમાં રેવન્યુ અને કેપિટલ આવકમાં 131.97 કરોડના વધારા સાથે બજેટનું કદ 7787.36 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. બીજી તરફ શાસકો દ્વારા આગામી નાણાંકીય વર્ષમાં રેવન્યુ ખર્ચમાં વધુ 50 કરોડ રૂપિયાનો કાપ મુકવાની સાથે કેપિટલ ખર્ચમાં 190 કરોડનો વધારો કરવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવેલ ડ્રાફ્ટ બજેટ 7707 કરોડ રૂપિયાની સાથે શાસકોએ કેપિટલ ખર્ચ અને રેવન્યુ આવકમાં સુધારા વધારા સાથે કુલ 7848 કરોડ રૂપિયાના બજેટને બહાલી આપવામાં આવી છે.
સુરત મહાનગર પાલિકાના નાણાંકીય વર્ષ 2023-24ના ડ્રાફ્ટ બજેટને આજે સ્થાયી સમિતિ દ્વારા 141 કરોડના વધારા સાથે બજેટનું કદ વધારીને 7848 કરોડ રૂપિયાની બહાલી આપવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા રજુ કરવામાં આવેલા 7707 કરોડના ડ્રાફ્ટ બજેટ પર સ્થાયી સમિતિ દ્વારા છેલ્લા ચાર દિવસથી વિભાગીય વડાઓ મેરેથોન બેઠક બાદ 141 કરોડના વધારા સાથે મંજુરી આપવામાં આવી છે. સ્થાયી સમિતિ દ્વારા રેવન્યુ ખર્ચમાં 49 કરોડનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે કેપિટલ ખર્ચમાં 190 કરોડનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય શાસકો દ્વારા કેપિટલ આવકમાં પણ 138 કરોડના વધારા સાથે કુલ અંદાજ 3114 કરોડ રૂપિયા મુકવામાં આવ્યો છે. બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ દ્વારા કર – દરમાં 307 કરોડના વધારામાં 50 ટકાના ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર દ્વારા સુચવવામાં આવેલા 307 કરોડના રૂપિયાના કર – દર વધારામાં શાસકો દ્વારા કાતર ફેરવવામાં આવી છે. આજે શાસકો દ્વારા મંજુર કરવામાં આવેલા આગામી નાણાંકીય વર્ષના બજેટમાં સામાન્ય વેરાના વાર્ષિક દરમાં 50 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. બીજી તરફ પ્રોપર્ટી ટેક્સ અને યુઝર ચાર્જમાં 100 ચો. મી. કરતાં ઓછા ક્ષેત્રફળવાળી મિલ્કતોના સામાન્ય વેરાના દરમાં પ્રતિ ચો. મી. 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ક્ષેત્રફળ આધાર વેરા પદ્ધતિમાં ફેરફાર કરાશે
આગામી નાણાંકીય વર્ષના બજેટને બહાલી આપવાની સાથે સાથે સ્થાયી સમિતિ દ્વારા હવે કર – દર અંતર્ગત એરિયા આધારિત મિલ્કત વેરા પદ્ધતિમાં ક્ષેત્રફળનું પુનઃમુલ્યાંકન કરવા તંત્રને સૂચના આપી છે. સુરત મહાનગર પાલિકામાં હાલમાં 200 ચો.મી.થી 400 ચોરસ મીટર સુધીના ક્ષેત્રફળમાં હવે ફેરફાર કરીને 200થી 300 અને 300થી 400 ચોરસ મીટર એમ બે તબક્કામાં વેરા પદ્ધતિ હેઠળ કર – દર નક્કી કરવામાં આવશે.