સુરતનું એક એવું મંદિર જ્યાં આજે મહાદેવને ફૂલ હાર સાથે ચઢાવવામાં આવશે જીવતા કરચલા
તાપી (Tapi) નદી કિનારે વસેલી સુરત (Surat) ધાર્મિક નગરી પણ છે. અહિં અનેક પૌરાણિક મંદિરો (Temples) આવેલા છે..ત્યારે સુરતમાં જ આવેલાં એક મંદિરમાં વર્ષોથી પ્રથા ચાલતી આવી છે મહાદેવને કરચલા ચઢાવવાની. ઉમરાગામમાં આવેલાં રામનાથ ઘેલા મંદિરમાં વર્ષમાં એકવાર કરચલા ચઢાવીને માનતા પુરી કરવામાં આવે છે. ભારતમાં લોકો પોતાની માનતા પુરી કરવા માટે અનેકો બાધા રાખતા હોય છે..અને જ્યારે આ બાધા માનતા પુરી થાય છે ત્યારે લોકો મંદિરે જઇને ભગવાનને શ્રધ્ધાથી કંઇને કંઇ ભેંટ સ્વરૂપે ધરતા હોય છે..ત્યારે સુરતમાં આવેલાં રામનાથ ઘેલા મંદિરની વર્ષોથી એક અનોખી પ્રથા ચાલતી આવી છે. અને આ પ્રથા છે મહાદેવને જીવતા કરચલા ચઢાવવાની. પોષ વદ એકાદશીના દિવસે મહાદેવને માનતા પુરી થાય એટલે જીવતા કરચલા ચઢાવવાની પ્રથા છે.
શું છે માન્યતા ?
એક એવી માન્યતા છે કે અહિં ભગવાન રામે 14 વર્ષનાં વનવાસ દરમ્યાન અહિં આ મંદિરમાં આશરો લીધો હતો..અને અહિં શિવલિંગની સ્થાપના કરી છે..ભગવાન રામે અહિં રાજા દશરથનું શ્રાધ્ધ કરવાની ઇચ્છા ધરાવી હતી..પણ બ્રાહ્મણ નહિં હોવાના કારણે તેઓ નિરાશ થયા હતાં..તે દરમ્યાન સમુદ્રદેવને ભગવાન રામ અહિં હોવાની જાણ થઇ હતી અને તેઓ અહિં ભગવાનને જોવા પ્રગટ થયાં હતાં. તેમને જોઇને તેઓ ઘેલા થઇ ગયાં હતાં જેથી આ મંદિરનું નામ રામનાથ ઘેલા પડ્યું હતું. અને બાદમાં રામ ભગવાન અહિં વિધી કરી રહ્યા હતાં તે દરમ્યાન દરિયામાં ભરતીનાં લીધે જળચર પ્રાણીઓ અહિં આવી ગયાં હતાં..ત્યારે સમુદ્રદેવે આ જળચર પ્રાણીઓનો ઉધ્ધાર કરવા રામ ભગવાનને વિનંતી કરી હતી અને ત્યારે રામે એવું કહ્યું હતું કે જે વ્યક્તિ શિવલિંગ પર કરચલા ચઢાવશે તેનાં તમામ દુખ:દર્દ દુર થશે. ત્યારથી રામનાથ ઘેલા મંદિર કરચલા ચઢાવવાની પ્રથા ચાલતી આવી છે.
કાનની તકલીફ પણ દૂર થતા લોકો ચઢાવે છે કરચલા :
ખાસ કરીને લોકોમાં માન્યતા છે કે કાનની તકલીફ હોય કે અન્ય બીજી કોઇ પણ મુશ્કેલી..એકવાર અહિં બાધા રાખો તો જરૂરથી પુરી થાય છે..અને આ જ કારણ છે કે લોકો દુરદુરથી અહિં કરચલા ચઢાવવા માટે આવે છે. વર્ષમાં એક જ વાર આવતી આ તકનો લાભ અચુકથી લે છે. વર્ષોથી અહિં આ જ દિવસે મેળો પણ ભરાય છે..અને માત્ર સુરત જ નહિં પણ બહારગામથી પણ લોકો અહિં દર્શન કરવા અને કરચલાથી મહાદેવની પુજા કરવા માટે આવે છે..લોકોની દરેક મનોકામના અહીં પૂર્ણ થાય છે. જ્યાં શ્રધ્ધાનો હોય વિષય ત્યાં પુરાવાની શું જરૂર. બસ,ભક્તોની આ માનતા છે જે વર્ષોથી ચાલતી આવી છે..અને આ પહેલું એવું મંદિર હશે જ્યાં મહાદેવને ફુલ-હાર તેમજ દુધ-નારિયેળની સાથે લોકો જીવતા કરચલા ચઢાવીને પોતાની અનોખી ભક્તિ દર્શાવે છે.