સુરતમાં વધુ એક બાળકી બની નરાધમનો શિકાર, આરોપીની ગણતરીના સમયમાં જ ધરપકડ
સુરતના સીટી લાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર નજીક બે થી અઢી વર્ષની માસુમ બાળકી પોતાના પરિવાર સાથે સૂતી હતી ત્યારે એક નરાધમે આ બાળકીને ઉપાડીને ડમ્પરમાં લઇ ગયો હતો.
સુરતમાં ફરી એક વાર બાળકી સાથે હિચકારી ભરી ઘટના સામે આવી છે. શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સિટીલાઇટ પાસેના અણુવ્રત દ્વારા નજીક ફૂટપાથ પર રહેતી અઢી વર્ષની બાળકીને નરાધમે પોતાનો શિકાર બનાવી છે. જોકે એક મહિલા પોલીસ કોન્સ્ટેબલની કાબિલેદાદ કામગીરી આ કેસમાં રહી છે અને આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી દેવામાં આવી છે.
વધુમાં મળતી માહિતી પ્રમાણે સુરતના સીટી લાઈટ વિસ્તારમાં અણુવ્રત દ્વાર નજીક બે થી અઢી વર્ષની માસુમ બાળકી પોતાના પરિવાર સાથે સૂતી હતી ત્યારે એક નરાધમે આ બાળકીને ઉપાડીને ડમ્પરમાં લઇ ગયો હતો. અણુવ્રત દ્વારા પાસે આવેલ ફ્લાય ઓવર બ્રિજની નીચે નિંદ્રાધીન માતાના ખોળામાંથી બે વર્ષીય બાળકીનું અપહરણ કરીને નાસી છૂટેલા ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં પીડિતાના પિતરાઈ ભાઈની સજાગતાએ મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. પીડિતાનો પિતરાઈ ભાઈની સમગ્ર ઘટના દરમ્યાન આંખ ખુલી જતાં તે ડમ્પર ચાલકને બાળકીનું અપહરણ કરતાં નિહાળી ગયો હતો.
અચાનક બનેલી આ ઘટનાને પગલે તેણે પહેલા પરિવારના અન્ય સભ્યોને ઉઠાવ્યા બાદ ડમ્પર ચાલકનો પીછો કરવાનું શરૂ કરી દીધું હતું અને આ દરમ્યાન જ તેણે પોલીસ કંટ્રોલમાં પણ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને ગણતરીનાં સમયમાં જ નરાધમ ડમ્પર ચાલકને ઝડપી પાડવામાં સફળતા સાંપડી હતી.
આ જ સમયે મહિલા પોલીસ કોન્સ્ટેબલને જાણ કરવામાં આવતા તેણીએ તાત્કાલિક પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પોલીસ કંટ્રોલમાં માહિતી મળતા જ આખા વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો હતો. અને ડમ્પર સાથે બે આરોપીઓની તાત્કાલીક જ ધરપકડ કરી દેવામાં આવી હતી, માસુમ બાળકીને ગુપ્ત ભાગે ઇજા પહોંચતા તેને મેડિકલ પરીક્ષણ માટે સુરતની સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ શરૂ કરી છે.